સુરેન્દ્રનગરના લખતરમાં ફસાયેલા 27 લોકોનું કરાયું સફળ રેસ્ક્યુ ,ડેમ ઓવરફ્લો

સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી લખતરના ઓળક ગામમાં ફસાયેલા 27 લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું છે. ડેમ છલકાતા અને માર્ગો બંધ થતા તંત્ર એલર્ટ મોડ પર છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરત ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. લખતર તાલુકાના ઓળક ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા 27 લોકો ફસાઈ ગયા હતા, જેમને તંત્રએ રાત્રિના સમયે સઘન બચાવ કામગીરી હાથ ધરી સલામત રીતે બહાર કાઢ્યા હતા.

ઓળક ગામ અને ભાસ્કરપરામાં સફળ રેસ્ક્યુ ઓપરેશન
ઓળક ગામ: લખતરના ઓળક ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા 13 મહિલાઓ, 10 પુરુષો અને 4 બાળકો સહિત કુલ 27 લોકો ફસાઈ ગયા હતા. ફાયર વિભાગ અને વહીવટી તંત્રે રાત્રે શરૂ કરેલું રેસ્ક્યુ ઓપરેશન વહેલી સવારે 4 વાગ્યે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.ભારે વરસાદને કારણે ભાસ્કરપરા ગામમાં તળાવની પાળ તૂટતા ફસાયેલા 10 લોકોને પણ તંત્ર દ્વારા હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે.

વરસાદના આંકડા અને ડેમની સ્થિતિ
જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના જણાવ્યા અનુસાર, વરસાદની સ્થિતિ ગંભીર છે:

વરસાદ: લખતર અને દસાડામાં 6 ઇંચથી વધુ, જ્યારે ધ્રાંગધ્રા અને થાનગઢમાં આશરે 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

જળાશયો: વાંસલ ડેમ 100 ટકા અને ધોળીધજા ડેમ 89 ટકા ભરાઈ ગયા છે. ડેમની નીચેના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

તંત્રનું એલર્ટ અને સુરક્ષા વ્યવસ્થા
વહીવટી તંત્ર: જિલ્લામાં રેડ એલર્ટ હોવાથી તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અધિકારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના અપાઈ છે.

માર્ગ અને વીજ પુરવઠો: વરસાદને કારણે 3 મુખ્ય માર્ગો અને 10 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરાયા છે. 45 વીજ થાંભલાઓને નુકસાન થતા 10 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જેને 24 કલાકમાં પૂર્વવત કરવા કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!