નીટ પેપર લીક વિવાદમાં NTAએ 47 અધિકારીઓને બરતરફ કરી તેમની સામે કાનૂની કાર્યવાહીના આદેશ આપ્યા છે. વિદ્યાર્થીઓના સતત આંદોલનને પગલે સરકાર આ મામલે વધુ કડક નિર્ણયો લેવાની તૈયારીમાં છે.

નીટ-યુજી (NEET-UG) પરીક્ષામાં થયેલી પેપર લીકની ઘટના બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સામે કેન્દ્ર સરકારની કાર્યવાહી વધુ તેજ બની છે. વિવાદોમાં ફસાયેલી NTA દ્વારા વહીવટી સ્તરે મોટો ફેરબદલ કરતા 47 અધિકારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે.
47 અધિકારીઓ સામે કડક પગલાં
સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, NTAએ મોટી કાર્યવાહી કરતા 47 અધિકારીઓને છૂટા કર્યા છે. માત્ર બરતરફી જ નહીં, પરંતુ આમાંના કેટલાક અધિકારીઓ સામે ગંભીર ફોજદારી અને કાનૂની કાર્યવાહી કરવાની પણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પેપર લીક મામલે તપાસ અને દબાણ વચ્ચે લેવામાં આવેલો આ નિર્ણય એક મોટા વહીવટી પરિવર્તનના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે.
વિદ્યાર્થીઓના આક્રોશ અને વિરોધનું પરિણામ
દેશભરમાં પેપર લીક મામલે વિદ્યાર્થીઓ અને ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) જેવા સંગઠનો દ્વારા સતત વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં થઈ રહેલા આ ઉગ્ર આંદોલનો અને વિદ્યાર્થીઓના રોષને ધ્યાનમાં રાખીને સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના સૂત્રોનું કહેવું છે કે પેપર લીક જેવી ગંભીર ઘટનાઓને રોકવા માટે આ માત્ર એક શરૂઆત છે અને આગામી સમયમાં વધુ કડક અને મોટા નિર્ણયો લેવામાં આવશે.
સરકારની બદલાતી રણનીતિ
NEET-UG જેવી સંવેદનશીલ પરીક્ષામાં ગેરરીતિ સામે આવતા એજન્સીની વિશ્વસનીયતા પર સવાલો ઉઠ્યા હતા. આ મામલે સરકાર હવે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવાના મૂડમાં નથી. આ અધિકારીઓની હકાલપટ્ટી એ સ્પષ્ટ સંકેત આપે છે કે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે સરકાર હવે શૂન્ય સહિષ્ણુતા (Zero Tolerance)ની નીતિ અપનાવી રહી છે.










