ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામે કથિત ડુપ્લીકેટ દારૂ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મોતનો આંક વધીને ત્રણ થયો છે અને તપાસ એસએમસીને સોંપાઈ છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાંથી એક અત્યંત ગંભીર અને ચકચારી ઘટના સામે આવી છે. ગત ૧૬ ઓગસ્ટની રાત્રે મિત્રો દ્વારા દારૂની પાર્ટી કર્યા બાદ કથિત ડુપ્લીકેટ દારૂ પીવાથી તબિયત લથડતા એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ૬ મિત્રોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સારવાર હેઠળ રહેલા વધુ બે યુવકોના પણ મોત થતા આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને ૩ પર પહોંચી ગયો છે. હાલ આ સમગ્ર સંવેદનશીલ મામલે એસએમસી (SMC) ને તપાસ સોંપવામાં આવી છે.
ત્રણના મોત અને ચાર લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
પ્રાપ્ત વિગતો અનુસાર, ખરકડી ગામના સાત જેટલા મિત્રોએ ૧૬ ઓગસ્ટે રાત્રે દારૂની પાર્ટી કરી હતી. નકલી કે ડુપ્લીકેટ દારૂ પીધા બાદ તબિયત બગડતાં ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નીપજ્યું હતું. એસપી નિતેશ પાંડેયના જણાવ્યા મુજબ, અન્ય ૬ લોકોને સર ટી હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં ૨૪ વર્ષીય વિશ્વરાજસિંહ ગોહિલ અને ઘનશ્યામસિંહ જાડેજાએ પણ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે, જ્યારે બાકીના ચાર લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.











