PM મોદી ગુજરાત પ્રવાસે: નાંણી એરફોર્સ સ્ટેશનના 8 કિમી વિસ્તારમાં ‘નો ફ્લાય ઝોન’ જાહેર

વાવ-થરાદ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.આ અંતર્ગત એરફોર્સ સ્ટેશન અને તેની આસપાસના 8 કિલોમીટરના વિસ્તારને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.

વાવ-થરાદ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આગામી 30 ઓક્ટોબર, 2026ના રોજ વડાપ્રધાન નાંણી એરફોર્સ સ્ટેશન ખાતે વિમાન મારફતે ઉતરાણ કરવાના હોવાથી જિલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે. આ અંતર્ગત એરફોર્સ સ્ટેશન અને તેની આસપાસના 8 કિલોમીટરના વિસ્તારને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.

29 અને 30 ઓક્ટોબરે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

વાવ-થરાદના ઇન્ચાર્જ જિલ્લા મેજિસ્ટ્રેટ કલ્પેશ કુમાર શર્મા, IAS દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 163 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જાહેરનામા અનુસાર, લાખણી તાલુકામાં આવેલા નાંણી એરફોર્સ સ્ટેશનના સમગ્ર વિસ્તાર તેમજ તેની આસપાસના 8 કિલોમીટરના ઘેરાવામાં 29 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર, 2026ના રાત્રે 12 વાગ્યા સુધી ‘નો ફ્લાય ઝોન’ અમલમાં રહેશે.આ સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારમાં કોઈપણ પ્રકારના ડ્રોન, રિમોટ કંટ્રોલથી સંચાલિત ઉડ્ડયન ઉપકરણો તથા અન્ય એરો સ્પોર્ટ્સ સાધનો ઉડાડવા પર પ્રતિબંધ રહેશે.

PM મોદીના પ્રવાસને લઈને સુરક્ષા વ્યવસ્થા

જાહેરનામામાં જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાંણી એરફોર્સ સ્ટેશન ખાતે વિમાન દ્વારા ઉતરાણ કર્યા બાદ હેલિકોપ્ટર મારફતે ભીલડી જવાના છે.વડાપ્રધાનને મળતા સુરક્ષા કવચને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધાત્મક પગલાં લેવામાં આવ્યાં છે. તેનો હેતુ પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવાનો અને કોઈ અનિચ્છનીય ઘટના ટાળવાનો છે.

નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી

જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.વધુમાં, જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે ફરિયાદ નોંધાવવા માટે વાવ-થરાદ જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના હોદ્દા ધરાવતા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.તેથી 29 અને 30 ઓક્ટોબર દરમિયાન નાંણી એરફોર્સ સ્ટેશનની આસપાસના નિર્ધારિત વિસ્તારમાં ડ્રોન કે અન્ય ઉડ્ડયન ઉપકરણો ઉડાડતાં પહેલાં જાહેરનામાની જોગવાઈઓનું પાલન કરવું જરૂરી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!