ભ્રષ્ટાચાર અટકાવવા ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, મરામત કામો માટે નવી SOP જાહેર

ગુજરાત પોલીસ વિભાગમાં મરામતનાં કામોમાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિની શક્યતાઓ ઘટાડવા માટે પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે

ગુજરાત પોલીસ વિભાગમાં મરામતનાં કામોમાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિની શક્યતાઓ ઘટાડવા માટે પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે મરામતનાં કામો માટે ત્રણ ક્વોટેશન લેવાની જૂની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

4,789 કામોમાંથી 4,119 કામ ત્રણ ક્વોટેશનથી થયાં

અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ગુજરાત પોલીસ વિભાગમાં ચાલુ મરામત ગ્રાન્ટ હેઠળ કુલ 4,789 કામો કરવામાં આવ્યાં હતાં. તેના પર આશરે રૂ. 19 કરોડનો ખર્ચ થયો હતો.

આ પૈકી 4,119 કામો માટે રૂ. 17.48 કરોડનો ખર્ચ થયો હતો. એટલે કે, કુલ કામોમાંથી આશરે 86 ટકા કામ માત્ર ત્રણ ક્વોટેશન મેળવીને કરવામાં આવ્યાં હતાં. આ પ્રક્રિયામાં મંજૂરી મેળવવામાં સમય લાગતો હતો. સાથે જ વહીવટી મુશ્કેલીઓ અને ગેરરીતિ અંગેના આક્ષેપો પણ સામે આવ્યા હતા.

હવે સામગ્રીનાં ત્રણ ક્વોટેશન લેવામાં આવશે

નવી SOP મુજબ, મરામતનાં કામો માટે ત્રણ ક્વોટેશન મંગાવવાની પદ્ધતિમાં ફેરફાર કરાયો છે. હવે કામનાં ક્વોટેશનને બદલે જરૂરી ચીજવસ્તુઓ અને સામગ્રીનાં ત્રણ ક્વોટેશન મેળવી ખરીદી કરવાની રહેશે.

ખરીદેલી સામગ્રીનો પૂરતો જથ્થો કચેરીમાં રાખવો પડશે. આ ઉપરાંત સિવિલ અને ઇલેક્ટ્રિકલ કામોમાં વપરાતી સામગ્રીનો સ્ટોક રજિસ્ટર અને ઇશ્યૂ રજિસ્ટર પણ નિભાવવો ફરજિયાત રહેશે.

સ્ટોકની ચકાસણી માટે અધિકારીઓની જવાબદારી નક્કી

નવી વ્યવસ્થામાં સામગ્રીના હિસાબ અને ચકાસણી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. દર મહિનાની પાંચમી તારીખ સુધીમાં વર્ગ-1 અથવા વર્ગ-2ના અધિકારીએ સ્ટોકની ભૌતિક ચકાસણી કરીને પ્રમાણપત્ર આપવાનું રહેશે.

આ ઉપરાંત કચેરીના વડાએ દર ત્રણ મહિને સ્ટોકની જાતે ચકાસણી કરવાની રહેશે. જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરની 10મી તારીખ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવી પડશે.

આ નિયમથી ખરીદેલી સામગ્રીનો ઉપયોગ, ઉપલબ્ધ જથ્થો અને તેની નોંધ અંગે જવાબદારી નક્કી કરવામાં આવશે.

લાઇટ, પંખા અને પાણીની પાઇપલાઇનની મરામત ઝડપથી થશે

નવી SOPનો એક હેતુ નાની મરામતોમાં થતો વિલંબ ઘટાડવાનો પણ છે. કચેરીમાં જરૂરી સ્પેરપાર્ટ્સ, ઇલેક્ટ્રિકલ સામગ્રી અને પ્લમ્બિંગનો સામાન ઉપલબ્ધ રહેશે.આથી નળ ટપકવો, લાઇટ કે પંખા બંધ થવા, વાયરિંગમાં ખામી અને પાઇપલાઇન લીકેજ જેવી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવામાં મદદ મળશે.

સામગ્રી અધિકૃત ડીલર પાસેથી સ્પર્ધાત્મક દરે ખરીદવાની અને તેનો ચોક્કસ રેકોર્ડ રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેનાથી ખર્ચની દેખરેખ અને સામગ્રીની ગુણવત્તા પર ધ્યાન રાખી શકાશે.

મોટા મરામત કામો માટે લેખિત મંજૂરી જરૂરી

જો કોઈ મોટું કામ માત્ર સામગ્રી ખરીદવાથી પૂર્ણ થઈ શકે તેમ ન હોય અને તેના માટે ફરીથી ત્રણ ક્વોટેશન લેવાની જરૂર પડે, તો કામ શરૂ કરતાં પહેલાં સક્ષમ ઉપરી અધિકારીની લેખિત મંજૂરી લેવી પડશે.રૂ. 50 હજારથી વધુનાં કામોને ખાસ મરામત તરીકે ગણવામાં આવશે. આવા કામોની દરખાસ્ત ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના કાર્યપાલક ઇજનેરના પરામર્શથી મોકલવાની રહેશે.

આ ઉપરાંત પોલીસનાં રહેણાંક મકાનો અને કચેરીઓની મરામત અંગે મળતી ફરિયાદો તથા તેના નિરાકરણની વિગતો નોંધવા માટે અલગ રજિસ્ટર રાખવાનું રહેશે.

પોલીસ વિભાગમાં પારદર્શિતા વધારવાનો પ્રયાસ

નવી SOPનો મુખ્ય હેતુ મરામતનાં કામોમાં સમય બચાવવો, જરૂરી સામગ્રી ઉપલબ્ધ રાખવી અને ખર્ચનો હિસાબ સુવ્યવસ્થિત બનાવવાનો છે. નિયમિત ચકાસણી અને લેખિત નોંધથી જવાબદારી પણ નક્કી થશે.જોકે, આ વ્યવસ્થાથી ગેરરીતિઓ કેટલી ઘટે છે તે અમલીકરણ અને દેખરેખ પર નિર્ભર રહેશે. નવી SOPના પરિણામો આગામી સમયમાં સ્પષ્ટ થશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!