‘જે કરે તપસ્યા, એના જીવનમાં ના હોય કોઈ સમસ્યા’ : દહેગામમાં આચાર્ય શ્રી મૃદુરત્ન સાગર સૂરીશ્વરજીનો તપનો સંદેશ

મુનિ શ્રી મોક્ષરત્ન સાગરજી મહારાજે આયંબિલની ઓળીનું કર્યું પારણું, જીવનમાં 6000 દિવસ આયંબિલ તપની સાધના : પારણાનો લાભ મયુરસિંહ ભુપતસિંહ વાઘેલા પરિવારે લીધો, મુનિ શ્રી પવિત્રરત્ન સાગરજીએ સમજાવ્યો તપનો આધ્યાત્મિક મહિમા

દહેગામ, શુક્રવાર : દહેગામ જૈન સંઘમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન આચાર્ય શ્રી મૃદુરત્ન સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે તપના પારણા નિમિત્તે યોજાયેલી સભાને સંબોધતા તપ, ત્યાગ અને ઉપવાસનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, “જે કરે તપસ્યા, એના જીવનમાં ના હોય કોઈ સમસ્યા.” આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે ઇતિહાસ સાક્ષી છે કે વધુ પડતું ખાનપાન કરનારા લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધી શકે છે, જ્યારે સંયમિત આહાર, ઉપવાસ અને તપને જીવનમાં સ્થાન આપનાર વ્યક્તિ સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત રહે છે. ચોમાસાની ઋતુમાં વિવિધ ધર્મ-પરંપરાઓમાં તપ અને ત્યાગનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વૈદિક પરંપરામાં શ્રાવણ માસ દરમિયાન અનેક વ્રત અને તપનો ઉલ્લેખ છે, જ્યારે જૈન પરંપરામાં પણ વિવિધ પ્રકારના વ્રત અને તપની સાધના કરવામાં આવે છે.

આ પ્રસંગે આચાર્યશ્રીના સહવર્તી મુનિ શ્રી મોક્ષરત્ન સાગરજી મહારાજે આયંબિલની ઓળીનું પારણું કર્યું હતું. આયંબિલ તપમાં દિવસ દરમિયાન માત્ર એક જ વખત સાદું બાફેલું અન્ન ગ્રહણ કરવામાં આવે છે. આ તપ દરમિયાન દૂધ, દહીં, ઘી, તેલ, શાકભાજી અને ફળ સહિતની વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે. વિશેષ વાત એ છે કે મુનિ શ્રી મોક્ષરત્ન સાગરજી મહારાજે પોતાના જીવનમાં આશરે 6000 દિવસ આયંબિલ તપની સાધના કરી હોવાનું જણાવાયું હતું અને તેમની આ તપસાધના સતત આગળ વધી રહી છે. આ પારણાનો લાભ દહેગામના મયુરસિંહ ભુપતસિંહ વાઘેલા પરિવારે લીધો હતો. આ જ પરિવારે આચાર્ય મહારાજ સાહેબના ચાતુર્માસ પ્રવેશનો સંપૂર્ણ લાભ પણ લીધો હતો. જૈન સંઘ દ્વારા લાભાર્થી પરિવારની અનુમોદના કરવામાં આવી હતી.

દહેગામ નગરના પનોતા પુત્ર મુનિ શ્રી પવિત્રરત્ન સાગરજી મહારાજે તપનો અર્થ સમજાવતા જણાવ્યું હતું કે, “જે આત્માને તત્કાળ પવિત્ર કરે તેને તપ કહેવાય.” તેમણે સંયમિત આહારનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે આજના સમયમાં પણ તબીબો ઉપવાસ અને જરૂરિયાત મુજબના આહારને મહત્વ આપે છે. ભૂખ લાગે ત્યારે અને શરીરની જરૂરિયાત પ્રમાણે જ ભોજન લેવાની ટેવ સ્વાસ્થ્ય માટે ઉપયોગી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે તપને માત્ર ધાર્મિક સાધના નહીં, પરંતુ શરીર અને આત્માની શુદ્ધિ સાથે જોડાયેલી સંયમપૂર્ણ જીવનશૈલી તરીકે અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

MITUFAB SOLANKI
Author: MITUFAB SOLANKI

Leave a Comment

Read More

error: Content is protected !!