સોમનાથમાં નોન-વેજના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકતા ગુજરાત સરકારના જાહેરનામાને હાઈકોર્ટે રદ કરી દીધું છે. પવિત્ર શ્રાવણ મહિનામાં રાજ્ય સરકારે સોમનાથના ચોક્કસ વિસ્તારમાં નોન-વેજના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો હતો

સોમનાથમાં નોન-વેજના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકતા ગુજરાત સરકારના જાહેરનામાને હાઈકોર્ટે રદ કરી દીધું છે. પવિત્ર શ્રાવણ મહિનામાં રાજ્ય સરકારે સોમનાથના ચોક્કસ વિસ્તારમાં નોન-વેજના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણયને સ્થાનિક નોન-વેજ રેસ્ટોરન્ટના માલિકોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા રેસ્ટોરન્ટ માલિકોની અરજી પર મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે સરકારના જાહેરનામાને રદ કરતાં અરજદારોની રોજીરોટી સાથે જોડાયેલા મુદ્દાને પણ ધ્યાનમાં લીધો હતો.
સોમનાથ નોન-વેજ પ્રતિબંધ: હાઈકોર્ટે સ્ટે આપવાનો કર્યો ઇનકાર
સરકાર તરફથી ચુકાદા સામે અપીલ કરવા માટે સાત દિવસનો સ્ટે માગવામાં આવ્યો હતો. જોકે, હાઈકોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે આ મામલો અરજદારોની રોજીરોટી સાથે જોડાયેલો છે.
દરમિયાન, સિંગલ જજના આદેશ સામે સરકારી વકીલે ડિવિઝન બેન્ચ સમક્ષ તાત્કાલિક સુનાવણી કરવાની માંગ કરી છે. હવે આ મામલે આગળની કાનૂની કાર્યવાહી પર નજર રહેશે.
સરકાર અને રેસ્ટોરન્ટ માલિકો વચ્ચે શું હતી દલીલો?
સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે અરજદારોની રેસ્ટોરન્ટ સોમનાથ મંદિર તરફ જતા માર્ગ પર આવેલી છે. શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે તે હેતુથી મંદિર આસપાસના વિસ્તારમાં નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
બીજી તરફ, રેસ્ટોરન્ટ માલિકોના વકીલે દલીલ કરી હતી કે સરકારી નિર્ણયને કારણે હોટલો બંધ કરવાની ફરજ પડી હતી. ઉપરાંત, અધિકારીઓ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.અરજદારોના પક્ષે વધુમાં દલીલ કરવામાં આવી હતી કે આ પ્રતિબંધ નાગરિકોના મૂળભૂત અધિકારો અને રોજગારના હકોનું ઉલ્લંઘન કરે છે. બંને પક્ષોની દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે સરકારનું જાહેરનામું રદ કરવાનો નિર્ણય લીધો હતો.










