દેશમાં 25 જાન્યુઆરીથી વસ્તી ગણતરી શરૂ થશે, સરકારે જાહેર કરી તારીખ

સરકારી જાહેરનામા અનુસાર, મોટાભાગનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે.

કેન્દ્ર સરકારે દેશની આગામી રાષ્ટ્રીય વસ્તી ગણતરીના બીજા તબક્કાની તારીખ જાહેર કરી છે. સરકારી જાહેરનામા અનુસાર, મોટાભાગનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે 1થી 5 માર્ચ 2027 દરમિયાન સુધારણા રાઉન્ડ પણ યોજાશે

10 જાન્યુઆરીથી સ્વ-ગણતરીની સુવિધા

વસ્તી ગણતરીની કામગીરી શરૂ થાય તે પહેલાં નાગરિકોને સ્વ-ગણતરી (Self-Enumeration)નો વિકલ્પ પણ આપવામાં આવશે. આ સુવિધા 10 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 2027 સુધી ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ ઘરેઘરે જઈને વસ્તી ગણતરીની કામગીરી કરવામાં આવશે.સરકારે વસ્તી ગણતરી માટે 1 માર્ચ 2027ની મધરાતને સંદર્ભ તારીખ (Reference Date) તરીકે નક્કી કરી છે.

કેટલાક રાજ્યો અને વિસ્તારો માટે અલગ સમયપત્રક

પ્રશાસનિક અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક રાજ્યો અને વિસ્તારોને આ સમયપત્રકમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જાહેરનામા મુજબ મણિપુર, ગોવા, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લદ્દાખ તેમજ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના બરફથી ઢંકાયેલા એવા વિસ્તારોમાં પણ આ સમયપત્રક લાગુ નહીં પડે.આ વિસ્તારો માટે વસ્તી ગણતરીનું અલગ સમયપત્રક જાહેર કરવામાં આવશે.

2011 બાદ હવે 2027માં વસ્તી ગણતરી

ભારતમાં છેલ્લી રાષ્ટ્રીય વસ્તી ગણતરી વર્ષ 2011માં બે તબક્કામાં પૂર્ણ થઈ હતી. ત્યારબાદ 2021માં આગામી વસ્તી ગણતરી યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું.તે મુજબ પ્રથમ તબક્કો એપ્રિલથી સપ્ટેમ્બર 2020 દરમિયાન અને બીજો તબક્કો ફેબ્રુઆરી 2021માં યોજવાનો હતો. પ્રથમ તબક્કાની કામગીરી માટે તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી હતી. જોકે, કોરોના મહામારીના કારણે આ કામગીરી મુલતવી રાખવામાં આવી હતી.ત્યારબાદ કેન્દ્ર સરકારે 2027માં વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો હતો. હવે સરકારે તેના બીજા તબક્કાની તારીખો જાહેર કરતાં કામગીરી માટેનું સમયપત્રક સ્પષ્ટ થયું છે.

જનગણના અધિનિયમ હેઠળ હાથ ધરાશે કામગીરી

દેશમાં વસ્તી ગણતરીની કામગીરી જનગણના અધિનિયમ, 1948 અને જનગણના નિયમો, 1990ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા દેશની વસ્તી, સામાજિક અને આર્થિક સ્થિતિ સહિતના વિવિધ આંકડાઓ એકત્રિત કરવામાં આવે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!