નરહરિ અમીનની હીરામણી સ્કૂલના ₹65 કરોડના પ્લોટની દરખાસ્ત પરત ખેંચાઈ, હવે જાહેર હરાજી થશે

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી પૂર્વ સાંસદ નરહરિ અમીનની હીરામણી સ્કૂલ કેમ્પસમાં સ્થિત સરકારી પ્લોટને શૈક્ષણિક હેતુ માટે ફાળવવાની દરખાસ્ત પરત ખેંચી લેવામાં આવી છે.

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી પૂર્વ સાંસદ નરહરિ અમીનની હીરામણી સ્કૂલ કેમ્પસમાં સ્થિત સરકારી પ્લોટને શૈક્ષણિક હેતુ માટે ફાળવવાની દરખાસ્ત પરત ખેંચી લેવામાં આવી છે. AMC ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દ્વારા આ દરખાસ્ત પરત ખેંચવામાં આવી છે.

આશરે ₹65 કરોડની કિંમત ધરાવતા આ પ્રાઈમ પ્લોટનું હવે મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર હરાજી મારફતે પ્લોટની ફાળવણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Narhari Amin Hiramani School Plot: શું છે સમગ્ર વિવાદ?

ભાજપના પૂર્વ સાંસદ નરહરિ અમીન સંચાલિત જન સહાયક ટ્રસ્ટ-હીરામણી સ્કૂલ દ્વારા AMC સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તેમાં સ્કૂલ કેમ્પસમાં આવેલા પાર્કિંગ હેતુના પ્લોટનો હેતુફેર કરીને શૈક્ષણિક હેતુ માટે ફાળવવાની માંગ કરવામાં આવી હતી.

આ પ્લોટ હીરામણી સ્કૂલના કેમ્પસ વિસ્તારમાં આવેલો છે. વર્ષોથી તેનો ઉપયોગ પાર્કિંગ માટે કરવામાં આવી રહ્યો છે. જોકે, પ્લોટના હેતુફેર અને ફાળવણીની દરખાસ્તને લઈને વિવાદ ઊભો થયો હતો.

2608 ચોરસ મીટરનો પ્લોટ વાર્ષિક ભાડે અપાયો છે

એસજી હાઈવે પર છારોડી-ઓગણજ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકાને કપાતમાં 2608 ચોરસ મીટરનો સામાજિક માળખાકીય સુવિધા માટેનો પાર્કિંગ હેતુનો પ્લોટ મળ્યો હતો.આ પ્લોટ પૂર્વ સાંસદ નરહરિ અમીન દ્વારા વાર્ષિક ₹2.44 લાખ ભાડું ચૂકવીને લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, હાલનો વાર્ષિક ભાડા કરાર યથાવત રહેશે.

50 ટકા કિંમતમાં ફાળવણીની જોગવાઈથી વિવાદ

પ્રસ્તાવ મુજબ, જો પ્લોટનો હેતુફેર કરીને શૈક્ષણિક હેતુ માટે ફાળવણી કરવામાં આવે તો નિયમો અનુસાર ટ્રસ્ટે AMCને મૂળ કિંમતના 50 ટકા જેટલી રકમ ચૂકવવાની રહેત.આ દરખાસ્ત મંજૂર થાય તો કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ શકે તેવી દલીલને કારણે વિવાદ ઊભો થયો હતો. ભાજપના કોર્પોરેટરો દ્વારા રજૂ કરાયેલી આ દરખાસ્તને લઈને પણ ચર્ચા થઈ હતી.હવે દરખાસ્ત પરત ખેંચાયા બાદ પ્લોટનું મૂલ્યાંકન કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે. તેની ચોક્કસ કિંમત નક્કી થયા પછી AMC જાહેર હરાજી દ્વારા પ્લોટની ફાળવણી કરશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!