અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલ નજીક આવેલા મેગ્નેટ પાર્ક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલ નજીક આવેલા મેગ્નેટ પાર્ક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના બીજા માળે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગના જવાનોએ સમયસૂચકતા વાપરી આગ પર કાબૂ મેળવી લીધો છે.
આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગથી બચવા માટે બારીમાંથી નીચે કૂદેલા બે લોકોને ઈજાઓ પહોંચી છે. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બીજા માળે આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા ફેલાયા
મળતી માહિતી મુજબ, મેગ્નેટ પાર્ક બિલ્ડિંગની ઓફિસોમાં કર્મચારીઓ રોજિંદી કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક બીજા માળેથી આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળવા લાગ્યો હતો.
થોડી જ વારમાં કાળા ધુમાડાના ગોટેગોટા સમગ્ર ફ્લોર પર ફેલાઈ ગયા હતા. તેના કારણે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. ધુમાડાને કારણે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી ઊભી થઈ હતી.
ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો વાહનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ બિલ્ડિંગમાં કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આગથી બચવા માટે બે વ્યક્તિઓએ બારીમાંથી નીચે કૂદકો માર્યો હતો. તેમને ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અન્ય કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે.
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કૂલિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાયર વિભાગ દ્વારા જરૂરી તપાસ કરવામાં આવશે.











