ઘરકામ અને મોબાઈલ ફોન ફેંકી દેવાની બાબતે થયેલી બોલાચાલી બાદ 22 વર્ષીય પુત્રીએ પોતાના 55 વર્ષીય પિતા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પિતાનું મોત નીપજ્યું હતું.

શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં પિતા-પુત્રી વચ્ચેની તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘરકામ અને મોબાઈલ ફોન ફેંકી દેવાની બાબતે થયેલી બોલાચાલી બાદ 22 વર્ષીય પુત્રીએ પોતાના 55 વર્ષીય પિતા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પિતાનું મોત નીપજ્યું હતું.
મૃતકની પત્નીએ પોતાની જ પુત્રી કાજલ ઉર્ફે વિક્રમ વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્રીની ધરપકડ કરી છે.
ઘરકામની બાબતે પિતા-પુત્રી વચ્ચે બોલાચાલી
મળતી માહિતી મુજબ, કોસાડ આવાસમાં રહેતા 55 વર્ષીય રમેશસિંહ કૈલાસસિંગ રાજપૂત અને તેમની સૌથી નાની પુત્રી કાજલ ઉર્ફે વિક્રમ (ઉં.વ. 22) વચ્ચે 31 ઓક્ટોબરની રાત્રે આશરે 10:30 વાગ્યે ઘરકામ બાબતે બોલાચાલી થઈ હતી.
આ દરમિયાન પિતાએ પુત્રીનો મોબાઈલ ફોન છીનવીને જમીન પર ફેંકી દીધો હતો. આ બાબતથી ઉશ્કેરાયેલી પુત્રીએ ઘરમાં પડેલું કૂકરનું ઢાંકણું અને છરી લઈને પિતા પર હુમલો કર્યો હતો.
કૂકરના ઢાંકણા અને છરીથી કર્યો હુમલો
આરોપ છે કે પુત્રીએ કૂકરના ઢાંકણાથી પિતાના માથામાં ઘા કર્યા હતા. ત્યારબાદ પેટના ભાગે છરીનો ઘા માર્યો હતો. હુમલામાં રમેશસિંહ ગંભીર રીતે ઘવાયા હતા અને લોહીલુહાણ હાલતમાં ઘરની બહાર દોડી આવ્યા હતા.
જોકે, તેઓ ઘરના ઓટલા પાસે જ ઢળી પડ્યા હતા. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી તબીબી ટીમે તપાસ બાદ રમેશસિંહને મૃત જાહેર કર્યા હતા.
માતાએ પુત્રી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
ઘટનાને પગલે મૃતકની પત્ની મંજુબેન ઉર્ફે ચંપાબેને અમરોલી પોલીસ મથકમાં પોતાની પુત્રી કાજલ ઉર્ફે વિક્રમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્રીની ધરપકડ કરી છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે.માત્ર ઘરકામ અને મોબાઈલ ફોનની બાબતે શરૂ થયેલી તકરારનો અંત પિતાના મોતમાં આવતાં કોસાડ આવાસ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.










