અપ્રમાણસર મિલકતો અને ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોની તપાસ અસરકારક બનાવવા ગુજરાત તકેદારી આયોગે નવી ચકાસણી વ્યવસ્થા અમલમાં મૂકવા સૂચના આપી છે.

ગુજરાતમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની મિલકતો પર હવે વધુ ચાંપતી નજર રાખવામાં આવશે. અપ્રમાણસર મિલકતો અને ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોની તપાસ અસરકારક બનાવવા ગુજરાત તકેદારી આયોગે નવી ચકાસણી વ્યવસ્થા અમલમાં મૂકવા સૂચના આપી છે.
આ અંગે મહિલા અને બાળ વિકાસ વિભાગે પરિપત્ર બહાર પાડીને તમામ શાખાઓ અને કચેરીઓને નિયમોનું ચુસ્ત પાલન કરવા નિર્દેશ આપ્યા છે. આ વ્યવસ્થાનો હેતુ કર્મચારીઓની સ્થાવર અને જંગમ મિલકતોની વિગતો વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ રાખવાનો છે.
વર્ગ-3ના કર્મચારીઓએ પણ વાર્ષિક મિલકત પત્રક ભરવું પડશે
ગુજરાત રાજ્ય સેવા નિયમો, 1971ના નિયમ-19 હેઠળ અગાઉ વર્ગ-1 અને વર્ગ-2ના રાજ્યપત્રિત અધિકારીઓ મિલકતોનું વાર્ષિક પત્રક ઓનલાઈન અપડેટ કરતા હતા. હવે સામાન્ય વહીવટ વિભાગના સુધારા મુજબ વર્ગ-3ના કર્મચારીઓ માટે પણ વાર્ષિક મિલકત પત્રક ભરવું ફરજિયાત બનાવાયું છે.
આ પત્રકમાં કર્મચારીઓએ પોતાની સ્થાવર અને જંગમ મિલકતોની વિગતો રજૂ કરવાની રહેશે. આ પગલાથી મિલકતોની વિગતોની ચકાસણી અને અપ્રમાણસર મિલકત અંગેની ફરિયાદોની તપાસમાં મદદ મળશે.
એક કરોડથી વધુના બાંધકામ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ
સરકારી બાંધકામની કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે એક કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સની વિગતો પણ તકેદારી આયોગ સુધી પહોંચાડવામાં આવશે. આવા પ્રોજેક્ટ્સના ત્રિમાસિક પત્રકો આયોગના ટેકનિકલ એકમને મોકલવાના રહેશે.
આ વિગતોના આધારે નિવારક તકેદારી નિરીક્ષણ હાથ ધરવામાં આવશે. સરકારી યોજનાઓમાં નાણાકીય નુકસાન પહોંચાડનાર કોન્ટ્રાક્ટરો અથવા એજન્સીઓ સામે કાયદાકીય કાર્યવાહી અને નાણાંની વસૂલાત માટે પણ પગલાં લેવામાં આવશે.
નિવૃત્તિ કે રાજીનામા બાદ પણ કાર્યવાહી ચાલુ રહેશે
નવા નિર્દેશો મુજબ, કોઈ કર્મચારી કે અધિકારી સામે ભ્રષ્ટાચારના પુરાવા મળે તો રાજીનામું, બરતરફી કે નિવૃત્તિના કારણે કાર્યવાહી અટકશે નહીં. સંબંધિત વ્યક્તિ સામે કાયદાકીય અને પોલીસ કાર્યવાહી ચાલુ રહી શકશે.
સરકારને નુકસાન પહોંચાડનાર કોન્ટ્રાક્ટરો પાસેથી પણ કાયદેસરની પ્રક્રિયા દ્વારા નાણાંની વસૂલાત કરવામાં આવશે. આ માટે ‘ધી ગુજરાત પબ્લિક વર્ક્સ કોન્ટ્રાક્ટ ડિસ્પ્યુટ્સ ટ્રિબ્યુનલ એક્ટ, 1992’ હેઠળ કાર્યવાહી કરવાની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ નવી વ્યવસ્થાથી સરકારી કર્મચારીઓની મિલકતોની વિગતો, બાંધકામ પ્રોજેક્ટ્સ અને ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોની તપાસ વધુ વ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.










