શૈક્ષણિક વર્ષ 2026-27 માટે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ (NSP) પર વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ઉચ્ચ અભ્યાસ અને ટેક્નિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ (NSP) પર વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ યોજનાઓમાં પીજીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, દિવ્યાંગ છાત્રો, ડિપ્લોમા અને એન્જિનિયરિંગ કરતી વિદ્યાર્થિનીઓ તેમજ અનાથ બાળકોને આર્થિક સહાય આપવામાં આવે છે. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ 30 નવેમ્બર સુધી સત્તાવાર પોર્ટલ પર અરજી કરી શકશે.
PG સ્ટડીઝ સ્કોલરશિપ
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ની આ યોજના હેઠળ નિયમિત પીજી કોર્સના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
યોજના માટે 30 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ પાત્ર ગણાય છે. પસંદગી ગ્રેજ્યુએશનના મેરિટના આધારે કરવામાં આવે છે. યોજના હેઠળ કુલ 10 હજાર વિદ્યાર્થીઓને માસિક રૂ. 15 હજારની સહાય આપવામાં આવે છે. આ પ્રમાણે વાર્ષિક સહાય રૂ. 1.50 લાખ થાય છે.
સક્ષમ સ્કોલરશિપ
AICTEની સક્ષમ સ્કોલરશિપ યોજના હેઠળ ડિગ્રી અથવા ડિપ્લોમા કોર્સમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપવામાં આવે છે.
40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ આ યોજના માટે પાત્ર બની શકે છે. તેમના પરિવારની વાર્ષિક આવક રૂ. 8 લાખથી ઓછી હોવી જરૂરી છે. પસંદગીના પાત્ર વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 50 હજારની સહાય મળે છે.
પ્રગતિ સ્કોલરશિપ સ્કીમ
ટેક્નિકલ શિક્ષણ મેળવતી વિદ્યાર્થિનીઓ માટે પ્રગતિ સ્કોલરશિપ યોજના અમલમાં છે. AICTE માન્યતા પ્રાપ્ત સંસ્થામાં ડિગ્રી અથવા ડિપ્લોમા કોર્સ કરતી વિદ્યાર્થિનીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
લેટરલ એન્ટ્રીથી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિનીઓનો પણ તેમાં સમાવેશ થાય છે. પરિવારની વાર્ષિક આવક રૂ. 8 લાખ સુધી હોવી જરૂરી છે. આ યોજના હેઠળ પરિવારની વધુમાં વધુ બે દીકરીઓને વાર્ષિક રૂ. 50 હજારની સહાય મળી શકે છે. યોજનામાં કુલ 10 હજાર બેઠકો ઉપલબ્ધ છે.
સ્વનાથ છાત્રવૃત્તિ
અનાથ બાળકો અને વિશેષ પરિસ્થિતિમાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓ માટે સ્વનાથ છાત્રવૃત્તિ યોજના છે. કોવિડ-19 મહામારીમાં માતા-પિતા ગુમાવનાર તેમજ દેશ માટે શહીદ થયેલા સેનાના અથવા પોલીસ દળોના જવાનોના બાળકોને આ યોજનામાં આવરી લેવામાં આવે છે.
AICTE દ્વારા ટેક્નિકલ શિક્ષણ મેળવતા પાત્ર વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 50 હજારની સહાય આપવામાં આવે છે. પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ. 8 લાખ છે. આ યોજના હેઠળ કુલ 2 હજાર બેઠકો રાખવામાં આવી છે.
NSP પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
વિદ્યાર્થીઓ નીચેની પ્રક્રિયા અનુસરીને ઓનલાઈન અરજી કરી શકે છે.
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ scholarships.gov.in ખોલો.
- નવા અરજદારો માટે ‘One Time Registration’ (OTR) પ્રક્રિયા પૂર્ણ કરો.
- જનરેટ થયેલા OTR નંબર અને પાસવર્ડથી લોગિન કરો.
- પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ યોગ્ય સ્કોલરશિપ યોજના પસંદ કરો.
- અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
- જરૂરી દસ્તાવેજો અને બેંક ખાતાની વિગતો અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કર્યા બાદ અરજીની રસીદ સાચવી રાખો.
વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું
અરજી કરતાં પહેલાં સંબંધિત યોજનાની પાત્રતા, આવક મર્યાદા, જરૂરી દસ્તાવેજો અને સંસ્થાની માન્યતા અંગેની વિગતો સત્તાવાર પોર્ટલ પર ચકાસવી જરૂરી છે. અરજીની સ્થિતિ પણ NSP પોર્ટલ પરથી જાણી શકાશે.
અરજીની અંતિમ તારીખ: 30 નવેમ્બર, 2026










