અનુપગઢથી સુરતગઢ જતી ટ્રેન પસાર થયાના થોડા સમય બાદ આ વિસ્ફોટ થયો હતો.ઘટનાને પગલે રેલવે અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે.

રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં રેલવે ટ્રેક પર શક્તિશાળી વિસ્ફોટની ઘટના સામે આવી છે. અનુપગઢથી સુરતગઢ જતી ટ્રેન પસાર થયાના થોડા સમય બાદ આ વિસ્ફોટ થયો હતો. ઘટનાને પગલે રેલવે અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, અનુપગઢથી ભટિંડા જતી ટ્રેનને નિશાન બનાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકા છે.
મંગળવારે અનુપગઢ-સુરતગઢ રેલવે લાઇન પર 50 જીબી ગામ નજીક આ ઘટના બની હતી. વિસ્ફોટના કારણે રેલવે ટ્રેકને નુકસાન પહોંચ્યું છે. જોકે, ટ્રેન અગાઉથી પસાર થઈ ગઈ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
વિસ્ફોટથી રેલવે ટ્રેકને નુકસાન
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે રેલવે ટ્રેક નીચે આવેલા બે થી ત્રણ સિમેન્ટના સ્લીપરને નુકસાન થયું હતું. સિમેન્ટના સ્લીપરની અંદરનો રેલનો ભાગ બહાર આવી ગયો હતો. ઉપરાંત ટ્રેકને જોડતા ક્લિપર્સ પણ ઉખડી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારીઓ અને પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી. શ્રીગંગાનગરના પોલીસ અધિક્ષક હરિ શંકર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ATS અને FSLની ટીમે તપાસ શરૂ કરી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આતંકવાદ વિરોધી ટુકડી (ATS), ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો તપાસ માટે પહોંચી હતી. ટીમો સ્થળ પરથી પુરાવા એકત્ર કરી રહી છે.
હાલમાં વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ટ્રેનને નિશાન બનાવવાનું કાવતરું હતું કે અન્ય કોઈ કારણસર વિસ્ફોટ થયો હતો, તે દિશામાં તપાસ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થશે.










