ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં 10મા દીપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સરયૂ નદીના કિનારે આવેલા 56 ઘાટ પર 30 લાખથી વધુ માટીના દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે

ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં 10મા દીપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સરયૂ નદીના કિનારે આવેલા 56 ઘાટ પર 30 લાખથી વધુ માટીના દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે. સૂર્યાસ્ત થતાં જ દીવડાઓની રોશનીથી સમગ્ર અયોધ્યા ઝળહળી ઊઠી હતી.
દીપોત્સવને લઈને છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ ચાલી રહી હતી. ઘાટ પર દીવડાઓ ગોઠવવા અને તેમાં તેલ તથા દિવેટ ભરવાની કામગીરી અગાઉથી શરૂ કરવામાં આવી હતી. સ્વયંસેવી સંસ્થાઓના કાર્યકરોએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી.
56 ઘાટ પર દીવડાઓની ભવ્ય રોશની
અયોધ્યાના સરયૂ નદી કિનારે આવેલા 56 ઘાટ પર લાખો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. ખાસ કરીને રામ કી પૈડી ઘાટ પર દીવડાઓની રોશનીએ અદભુત નજારો સર્જ્યો હતો.
દીપોત્સવની તૈયારીઓમાં સ્વયંસેવકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કોઈ કાર્યકર દીવડામાં તેલ ભરતો હતો, તો કોઈ દિવેટ વ્યવસ્થિત કરતો હતો. તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ એકસાથે દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.
CM યોગી આદિત્યનાથે સરયૂ નદીની આરતી કરી
દીપોત્સવ 2026માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ થયા હતા. તેમણે સરયૂ નદીના કિનારે આરતી કરી હતી. આ પહેલાં તેમણે ભગવાન શ્રીરામ અને માતા જાનકીની પૂજા-અર્ચના કરી હતી.
દીપોત્સવ પહેલાં શ્રીરામ જન્મભૂમિ મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામલલાનાં દર્શન કરી આરતી કરી હતી.
‘અયોધ્યા માત્ર સ્માર્ટ સિટી નહીં, આધ્યાત્મિક નગરી છે’
ઉપ રાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને રામ મંદિરનાં દર્શન કર્યા બાદ અયોધ્યાને આધ્યાત્મિક નગરી ગણાવી હતી. તેમણે જણાવ્યું કે અયોધ્યા માત્ર સ્માર્ટ સિટી કે સોલર સિટી નથી, પરંતુ આધ્યાત્મિક નગરી છે.
તેમણે રામલલાનાં દર્શન કર્યા બાદ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં રામ મંદિર સમગ્ર હિન્દુ સમાજના આત્મસન્માનનું પ્રતીક બન્યું છે.










