બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આગના બનાવો અટકવાનું નામ લેતા નથી. છેલ્લા બે દિવસથી શહેરમાં સતત આગની ઘટનાઓ સામે આવી રહી છે

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આગના બનાવો અટકવાનું નામ લેતા નથી. છેલ્લા બે દિવસથી શહેરમાં સતત આગની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે રાત્રે પાલનપુર GIDC વિસ્તારમાં બે ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હવે બીજા દિવસે શહેરની માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી.
હોસ્પિટલના બીજા માળે અને ધાબા સુધી આગ પ્રસરી
પ્રાપ્ત વિગતો મુજબ, પાલનપુરની જાણીતી માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના બીજા માળે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ ધાબાના ભાગ સુધી પણ પહોંચી ગઈ હતી.
આ ઘટનાને પગલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ, તેમના સ્વજનો અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક દર્દીઓને વોર્ડની બહાર ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.
ગંભીર દર્દીઓને ઓક્સિજન સાથે સુરક્ષિત ખસેડાયા
આગ લાગતાં જ દર્દીઓના સ્વજનો અને હોસ્પિટલ સ્ટાફે બચાવ કામગીરી હાથ ધરી હતી. ખાસ કરીને ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજનની બોટલ સાથે અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ, ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. ફાયર ફાઈટરોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ધારાસભ્ય અનિકેત ઠાકર પણ હોસ્પિટલ દોડી આવ્યા
ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય અનિકેત ઠાકર પણ માવજત હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં હોસ્પિટલના રસોડામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આગ ધાબા સુધી પહોંચી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમ છતાં થોડા સમય માટે હોસ્પિટલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.










