મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સ તરફથી રમશે, જ્યારે પંજાબનો સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો છે.

આઈપીએલ 2027 પહેલાં ક્રિકેટ જગતમાં મોટો ખેલાડી ટ્રેડ થયો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સ તરફથી રમશે, જ્યારે પંજાબનો સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો છે. IPL દ્વારા 11 નવેમ્બર 2026ના રોજ આ ટ્રેડની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
હાર્દિક પંડ્યાની પંજાબ કિંગ્સમાં એન્ટ્રી બાદ ટીમની કેપ્ટનશીપ અંગે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, હાર્દિકે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટથી આ ચર્ચાનો જવાબ આપી દીધો છે. તેણે શ્રેયસ અય્યરને પોતાનો કેપ્ટન અને રિકી પોન્ટિંગને કોચ ગણાવ્યા છે. આથી આગામી સિઝનમાં શ્રેયસ અય્યર જ પંજાબ કિંગ્સની કમાન સંભાળશે તે સ્પષ્ટ થયું છે.
હાર્દિક પંડ્યા ₹18 કરોડમાં પંજાબ કિંગ્સમાં જોડાયો
IPLની સત્તાવાર જાહેરાત મુજબ હાર્દિક પંડ્યા ₹18 કરોડની નવી ફી સાથે પંજાબ કિંગ્સમાં જોડાયો છે. અગાઉ મુંબઈ ઈન્ડિયન્સમાં તેની ફી ₹16.35 કરોડ હતી. બીજી તરફ, અર્શદીપ સિંહ ₹18 કરોડની હાલની ફી સાથે મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયો છે.આ ટ્રેડથી બંને ટીમોને મહત્વના ખેલાડીઓ મળ્યા છે. પંજાબને અનુભવી ઓલરાઉન્ડર હાર્દિકનો વિકલ્પ મળ્યો છે. જ્યારે મુંબઈની બોલિંગને અર્શદીપના રૂપમાં ડાબોડી ફાસ્ટ બોલરનો મજબૂત વિકલ્પ મળશે.
શ્રેયસ અય્યર જ રહેશે પંજાબ કિંગ્સનો કેપ્ટન
હાર્દિક પંડ્યાના પંજાબમાં જોડાયા બાદ સૌથી મોટો સવાલ ટીમની કેપ્ટનશીપનો હતો. હાર્દિક અગાઉ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. તેથી તે પંજાબની કમાન સંભાળશે તેવી અટકળો પણ થઈ રહી હતી.
પરંતુ હાર્દિકે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું, “મારો કેપ્ટન શ્રેયસ, મારો કોચ રિકી અને મારી ટીમ આખું પંજાબ.” આ પોસ્ટથી તેણે શ્રેયસ અય્યરને કેપ્ટન તરીકે સ્વીકાર્યો હોવાનો સંકેત આપ્યો છે.
2022થી કેપ્ટનશીપ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાએ 2022માં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ શરૂ કરી હતી. પ્રથમ જ સિઝનમાં તેણે ટીમને IPL ચેમ્પિયન બનાવી હતી. ત્યારબાદ 2023માં ગુજરાત ટાઈટન્સ ફાઇનલમાં પહોંચી હતી.2024માં હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો હતો અને ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. હવે 2027ની સિઝનમાં તે પંજાબ કિંગ્સ તરફથી ખેલાડી તરીકે રમશે.
અર્શદીપ સિંહના આવવાથી મુંબઈની બોલિંગ મજબૂત બનશે
અર્શદીપ સિંહે પંજાબ કિંગ્સ સાથે લાંબો સમય વિતાવ્યો છે. તેણે IPLમાં પંજાબ તરફથી 96 મેચ રમીને 111 વિકેટ ઝડપી છે. હવે તે મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળશે.
મુંબઈ ઈન્ડિયન્સે અર્શદીપનું સ્વાગત કર્યું છે. જોકે, હાર્દિક પંડ્યાના જવાથી ટીમની આગામી સિઝનની કેપ્ટનશીપ અંગેનો નિર્ણય યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે તેમ ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું છે.










