દહેગામ હાઈવે પર વિપુલ ફાર્મ નજીક ઓડી કાર પલટી જતાં ઝાડ સાથે અથડાતા પાલુન્દ્રાના એક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ ગંભીર ઈજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ ખસેડાયા છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામના 5 યુવકો 10 નવેમ્બરની રાત્રે બજારમાં નાસ્તો કરવા નીકળ્યા હતા. ગામના રોડ પર બેઠા બાદ બધા મિત્રો ઓડી કાર (નંબર HR-26 CJ-1385) લઈને દહેગામ બજારમાં પકોડા અને સોડા પીવા માટે ગયા હતા. ત્યાંથી નાસ્તો પતાવીને મોડી રાત્રે તમામ મિત્રો કારમાં સવાર થઈ પોતાના ગામ પાલુન્દ્રા પરત ફરી રહ્યા હતા.
કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ
11 નવેમ્બરની મોડી રાત્રે અંદાજે સવા 12 વાગ્યાની આસપાસ બારીયાના છાપરાથી આગળ વિપુલ ફાર્મ નજીક હાઈવે રોડ પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચલાવી રહેલા ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર રસ્તાની બાજુની ચોકડીઓમાં ઉતરી ગઈ હતી અને પલટી ખાઈને એક ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સારવાર દરમિયાન 1નું મોત, 3 ગાંધીનગર ખસેડાયા
સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તમામ ઈજાગ્રસ્તોને દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે અરવિંદસિંહ સરદારસિંહ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી મૃત જાહેર કર્યા હતા. સામાન્ય ઈજા પામેલા ફરિયાદી મહેન્દ્રસિંહને પ્રાથમિક સારવાર આપી રજા અપાઈ હતી, જ્યારે અજીતસિંહ, શંભુભાઈ અને કારચાલક હરેશસિંહને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
બેદરકાર કારચાલક સામે ગુનો નોંધાયો
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ કારને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અકસ્માત સર્જી મોત નિપજાવવા બદલ ચાલક હરેશસિંહ માનસિંહ ચૌહાણ સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.









