રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર (DMT)ને લગતા નિયમોને એકીકૃત કરીને નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર (DMT)ને લગતા નિયમોને એકીકૃત કરીને નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. 11 નવેમ્બર, 2026થી અમલમાં આવેલા આ નિયમો હેઠળ બેન્ક ખાતું ન ધરાવતી વ્યક્તિ પણ બેન્ક શાખામાં જઈને NEFT મારફતે અન્ય વ્યક્તિના બેન્ક ખાતામાં ₹50,000 સુધીની રકમ મોકલી શકશે.
RBIએ રોકડ મારફતે નાણાં મોકલવાની અને લાભાર્થીને રોકડ પહોંચાડવાની સુવિધા માટે અલગ-અલગ મર્યાદાઓ સ્પષ્ટ કરી છે. ખાસ કરીને બેન્ક શાખા, બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ (BC) અને ATM મારફતે થતા વ્યવહારો માટે અલગ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
બેન્ક ખાતું ન હોય તો પણ NEFTથી મોકલી શકાશે ₹50 હજાર
RBIના નવા દિશા-નિર્દેશ મુજબ, બેન્ક શાખામાં આવતા કોઈપણ વ્યક્તિ એટલે કે વોક-ઇન ગ્રાહક પોતાના નામે બેન્ક ખાતું ન હોવા છતાં NEFT મારફતે લાભાર્થીના બેન્ક ખાતામાં ₹50,000 સુધીની રકમ મોકલી શકશે.
જોકે, બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ, ATM અને અન્ય મંજૂર માધ્યમો દ્વારા રોકડ જમા કરીને બેન્ક ખાતામાં રકમ મોકલવા માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹5,000ની મર્યાદા રહેશે. આ સુવિધા હેઠળ એક વ્યક્તિ દર મહિને કુલ ₹25,000 સુધીની રકમ મોકલી શકશે.
કેશ પે-આઉટ સુવિધામાં ₹10 હજારની મર્યાદા
RBIએ કેશ પે-આઉટ સર્વિસ માટે પણ મર્યાદા નક્કી કરી છે. આ સુવિધા હેઠળ બેન્ક ગ્રાહક પોતાના ખાતામાંથી એવા વ્યક્તિને પૈસા મોકલી શકે છે, જેની પાસે બેન્ક ખાતું નથી.
લાભાર્થી આ રકમ ATM, બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ અથવા અન્ય અધિકૃત પેમેન્ટ ચેનલ મારફતે મેળવી શકે છે.
- પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા: ₹10,000
- દર મહિને પ્રતિ લાભાર્થી મર્યાદા: ₹25,000
આ સુવિધાથી બેન્ક ખાતું ન ધરાવતા લોકોને પણ નાણાં મેળવવામાં સરળતા રહેશે.
પૈસા મોકલવા માટે KYC અને મોબાઇલ વેરિફિકેશન જરૂરી
નવા નિયમો હેઠળ રકમ મોકલનાર વ્યક્તિની ઓળખની ચકાસણી પણ ફરજિયાત કરવામાં આવી છે. બેન્ક અને બિઝનેસ કોરેસ્પોન્ડન્ટે RBIના KYC દિશા-નિર્દેશ, 2025 મુજબ ગ્રાહકની નોંધણી કરવી પડશે.
આ માટે નીચેની બાબતો જરૂરી રહેશે:
- વેરિફાઇડ મોબાઇલ નંબર.
- સ્વ-પ્રમાણિત ઓફિશિયલી વેલિડ ડોક્યુમેન્ટ (OVD).
- દરેક ટ્રાન્ઝેક્શન માટે એડિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન (AFA).
આ ઉપરાંત, બેન્કોએ ટ્રાન્ઝેક્શન સાથે રકમ મોકલનારની વિગતો પણ NEFT અથવા IMPS મેસેજમાં સામેલ કરવાની રહેશે.
શા માટે જરૂરી છે RBIના નવા નિયમો?
ડોમેસ્ટિક મની ટ્રાન્સફરની સુવિધા ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે, જેમની પાસે બેન્ક ખાતું નથી અથવા જેઓ નિયમિત બેન્કિંગ સુવિધાઓનો ઉપયોગ કરી શકતા નથી. તેમાં સ્થળાંતરિત શ્રમિકો અને અન્ય જરૂરિયાતમંદ લોકોનો સમાવેશ થાય છે.RBIએ આ નિયમો દ્વારા અગાઉના અલગ-અલગ દિશા-નિર્દેશોને એકીકૃત કર્યા છે. સાથે જ નાણાં મોકલવાની પ્રક્રિયામાં પારદર્શિતા, ગ્રાહકની ઓળખની ચકાસણી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.










