ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB-1)એ દહેગામ તાલુકાના નાંદોલ ગામની સીમમાં દરોડો પાડીને વિદેશી દારૂના મોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેપલા સામે પોલીસની કાર્યવાહી સતત ચાલુ છે. ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB-1)એ દહેગામ તાલુકાના નાંદોલ ગામની સીમમાં દરોડો પાડીને વિદેશી દારૂના મોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે. બુટલેગરોએ દારૂ છુપાવવા માટે ઓરડીમાં અનાજની થેલીઓ નીચે ગુપ્ત ભોંયરું બનાવ્યું હતું. પોલીસે અહીંથી ₹14.72 લાખથી વધુ કિંમતનો દારૂ જપ્ત કર્યો છે.
અનાજની થેલીઓ હટાવતા ગુપ્ત ભોંયરું મળ્યું
પ્રાપ્ત માહિતી મુજબ, LCB-1ની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન દહેગામ બસ સ્ટેન્ડ નજીક પોલીસને નાંદોલ ગામની સીમમાં આવેલા નીલકંઠ મહાદેવના છાપરા વિસ્તારમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે મધરાતે આશરે દોઢ વાગ્યે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન એક ઓરડીમાં અનાજ ભરેલી મીણિયાની થેલીઓ ગોઠવેલી જોવા મળી હતી. પોલીસે શંકાના આધારે થેલીઓ હટાવી તપાસ કરતાં નીચે પથ્થરથી ઢાંકેલું ગુપ્ત ભોંયરું મળી આવ્યું હતું.
8,744 નંગ દારૂ અને બિયરનો જથ્થો જપ્ત
પોલીસે ભોંયરામાં તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી બોટલો, ટેટ્રા પેક અને બિયરના ટીન મળી આવ્યા હતા. દરોડા દરમિયાન કુલ 8,744 નંગનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹14,72,008 આંકી છે. આ ઉપરાંત સ્થળ પરથી એક વીજળીનું બિલ પણ કબજે કરવામાં આવ્યું હતું.
બે શખ્સો સામે ગુનો,
આ મામલે રણજીતસિંહ દિનેશજી ઠાકોર અને નરેશકુમાર ઉર્ફે ટીનાજી સરદારસિંહ ઠાકોરનાં નામ સામે આવ્યાં છે. દરોડા દરમિયાન બંને સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા.પોલીસે બંને વિરુદ્ધ દહેગામ પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(e) અને 81 હેઠળ ગુનો નોંધ્યો છે. બંનેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ અને શોધખોળ શરૂ કરી છે.
નાંદોલની સીમમાં અનાજની થેલીઓ નીચે ગુપ્ત ભોંયરું બનાવી દારૂનો આટલો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતાં વિસ્તારમાં ચર્ચા જાગી છે. હવે પોલીસ તપાસમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેના નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે બહાર આવશે.










