સોનિયા ગાંધીની નવી આત્મકથા *’Belonging: A Journey of Love’*ના વિમોચન પ્રસંગે એક રસપ્રદ અંગત કિસ્સો સંભળાવ્યો હતો.

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાની માતા સોનિયા ગાંધીની નવી આત્મકથા *’Belonging: A Journey of Love’*ના વિમોચન પ્રસંગે એક રસપ્રદ અંગત કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે જણાવ્યું કે એક વખત તેઓ પોતાની ગર્લફ્રેન્ડ સાથે કેમ્બ્રિજના એ જ રેસ્ટોરન્ટમાં ગયા હતા, જ્યાં તેમના માતા-પિતા સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પહેલીવાર મળ્યાં હતાં.
રાહુલ ગાંધીએ આ વાત જાહેર મંચ પરથી કહી ત્યારે કાર્યક્રમમાં હાજર લોકોમાં હાસ્ય ફેલાયું હતું. ખાસ કરીને રેસ્ટોરન્ટના ભોજન અંગે તેમણે કરેલી મજાક ચર્ચામાં આવી છે.
કેમ્બ્રિજના વર્સિટી રેસ્ટોરન્ટમાં લઈ ગયા હતા ગર્લફ્રેન્ડને
રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમના માતા-પિતાની પહેલી મુલાકાતને લઈને પરિવારમાં અનેક રસપ્રદ વાતો થતી હતી. તેમાં કેમ્બ્રિજના ‘વર્સિટી રેસ્ટોરન્ટ’ની મુલાકાતનો પણ સમાવેશ થતો હતો.
વર્ષો બાદ જ્યારે તેઓ કેમ્બ્રિજ ગયા હતા, ત્યારે તેમણે પોતાની ગર્લફ્રેન્ડને આ રેસ્ટોરન્ટમાં જવાની વાત કરી હતી. યુવતીને આ સ્થળનું ખાસ મહત્ત્વ ખબર નહોતું. જોકે, રાહુલ ત્યાં જઈને એ જગ્યા જોવા માગતા હતા જ્યાં તેમના માતા-પિતાની મુલાકાત થઈ હતી.
રેસ્ટોરન્ટમાં પ્રવેશતી વખતે ત્યાં હાજર કર્મચારીએ તેમને બે વ્યક્તિ માટે જગ્યા આપી હતી. ત્યારબાદ રાહુલે કર્મચારીને જણાવ્યું કે તેમના માતા-પિતા આ જ રેસ્ટોરન્ટમાં મળ્યાં હતાં.
કર્મચારીએ કહ્યું, ‘હા, હું એ બંનેને ઓળખું છું’
રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમની વાત સાંભળીને રેસ્ટોરન્ટના કર્મચારીએ તરત જ જવાબ આપ્યો કે તે બંનેને ઓળખે છે. કર્મચારીની આ વાત સાંભળીને રાહુલને આશ્ચર્ય થયું હતું.
ત્યારબાદ તેમણે મેનુમાંથી શું મંગાવવું તે અંગે કર્મચારીની સલાહ લીધી હતી. કર્મચારીએ તેમને ‘ચિકન શાસર’ (Chicken Chasseur) ખાવાની ભલામણ કરી હતી. રાહુલ અને તેમની સાથે આવેલી યુવતીએ આ વાનગી મંગાવી હતી.
જોકે, ભોજનનો સ્વાદ તેમને પસંદ આવ્યો નહોતો. આ વાત યાદ કરતાં રાહુલે મજાકમાં કહ્યું હતું કે પ્રેમમાં પડવું હોય તો વર્સિટી રેસ્ટોરન્ટ જજો, પરંતુ ત્યાં ચિકન શાસર ક્યારેય ખાતા નહીં. તેમની આ ટિપ્પણીથી કાર્યક્રમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
સોનિયા-રાજીવની પ્રેમકહાનીની શરૂઆત આ રેસ્ટોરન્ટથી થઈ
સોનિયા ગાંધીની આત્મકથા *’Belonging: A Journey of Love’*માં રાજીવ ગાંધી સાથેની તેમની પહેલી મુલાકાતની યાદો પણ સામેલ છે.સોનિયા ગાંધીના જણાવ્યા અનુસાર, વર્ષ 1965માં કેમ્બ્રિજના એક ગ્રીક રેસ્ટોરન્ટમાં તેમની રાજીવ ગાંધી સાથે મુલાકાત થઈ હતી. એક પરિચિત મિત્રે બંનેનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી.
બંનેએ 25 ફેબ્રુઆરી, 1968ના રોજ લગ્ન કર્યા હતા. આ રીતે કેમ્બ્રિજનું વર્સિટી રેસ્ટોરન્ટ ગાંધી પરિવારની પ્રેમકહાની સાથે જોડાયેલી ખાસ જગ્યા બની ગયું છે.
માતા-પિતાના પ્રેમ વિશે પણ ભાવુક થયા રાહુલ
કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ સોનિયા અને રાજીવ ગાંધીના સંબંધો વિશે કેટલીક અંગત યાદો પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું કે બાળપણમાં દરેક ભોજન વખતે તેમના પિતા રાજીવ ગાંધીના ખોળામાં માતા સોનિયા ગાંધી બેઠાં હોય તેવું તેઓ જોતા હતા.
શરૂઆતમાં તેમને લાગતું હતું કે દરેક પરિવારમાં આવું જ હોય છે. પરંતુ મિત્રોના ઘરે ગયા ત્યારે તેમને સમજાયું કે તેમના માતા-પિતાનો સંબંધ ખાસ હતો.રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયા ગાંધીના જીવનમાં આવેલા બદલાવનો ઉલ્લેખ કરતાં રાહુલ ભાવુક થયા હતા. તેમણે માતાને સંબોધીને કહ્યું હતું કે પિતા તેમને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમના પર ગર્વ અનુભવતા.સોનિયા ગાંધીની આત્મકથાના વિમોચન પ્રસંગે રાહુલ ગાંધીએ સંભળાવેલો આ કિસ્સો હવે ચર્ચાનો વિષય બન્યો છે.










