હેરિટેજ વીક અને ભદ્ર ફેસ્ટિવલના આયોજનને પગલે ટ્રાફિક પોલીસે ભદ્ર પરિસરમાં વાહનોની અવરજવર પર નિયંત્રણ મૂક્યું છે. 18 નવેમ્બર અને 20 નવેમ્બરની સવારે સુધી અલગ-અલગ તબક્કામાં પ્રતિબંધ અમલમાં રહેશે.

અમદાવાદના ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં જવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. હેરિટેજ વીક અને ભદ્ર ફેસ્ટિવલના આયોજનને પગલે ટ્રાફિક પોલીસે ભદ્ર પરિસરમાં વાહનોની અવરજવર પર નિયંત્રણ મૂક્યું છે. 18 નવેમ્બર અને 20 નવેમ્બરની સવારે સુધી અલગ-અલગ તબક્કામાં પ્રતિબંધ અમલમાં રહેશે. વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક રસ્તાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે.
18 નવેમ્બરે ભદ્ર પરિસરના તમામ ગેટ બંધ રહેશે
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જાહેર કરાયેલા ટ્રાફિક જાહેરનામા મુજબ, 17 નવેમ્બરની મધરાતથી 18 નવેમ્બરની મધરાત સુધી ભદ્ર પરિસરના તમામ ગેટ બંધ રહેશે.
આ સમય દરમિયાન ભદ્ર મંદિરથી ત્રણ દરવાજા તરફ વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ વ્યવસ્થા ભદ્ર વિસ્તારમાં ટ્રાફિકની ભીડ અટકાવવા અને કાર્યક્રમની તૈયારીઓ સરળ બનાવવા માટે કરવામાં આવી છે.
20 નવેમ્બરે સવારે 10 વાગ્યા સુધી પ્રતિબંધ
ટ્રાફિક નિયંત્રણનો બીજો તબક્કો 19 નવેમ્બરની મધરાતથી 20 નવેમ્બરની સવારે 10 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ દરમિયાન સમગ્ર ભદ્ર પરિસર ઉપરાંત આસપાસના કેટલાક માર્ગો પણ બંધ રહેશે.
વિક્ટોરિયા ગાર્ડન, ઇલેક્ટ્રિસિટી હાઉસ, જિલ્લા પંચાયત, પાનકોર નાકા ચાર રસ્તા અને રિલીફ ચાર રસ્તાથી ભદ્ર તરફ જતા માર્ગો પર વાહનોની અવરજવર બંધ રહેશે.
વાહનચાલકો માટે વૈકલ્પિક રસ્તાઓ
ટ્રાફિક પોલીસે વાહનચાલકોને નીચેના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
- એલિસબ્રિજથી: ખમાસા થઈ AMC ઓફિસ અને માણેકચોક તરફ જઈ શકાશે.
- નહેરુબ્રિજથી: સીદી સૈયદની જાળી થઈ રિલીફ રોડ અને કાલુપુર તરફ જઈ શકાશે.
- નહેરુબ્રિજથી અન્ય માર્ગ: સીદી સૈયદની જાળી થઈ જિલ્લા પંચાયત, સેશન્સ કોર્ટ અને વિક્ટોરિયા ગાર્ડન તરફ જઈ શકાશે.
- ઇલેક્ટ્રિસિટી હાઉસથી: કરંજ પોલીસ સ્ટેશન પાછળના માર્ગે થઈ ભાટિયાર ગલી તરફ જઈ શકાશે.
19 નવેમ્બરે યોજાશે ભદ્ર ફેસ્ટિવલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વીક અંતર્ગત 19 નવેમ્બરે ભદ્ર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 12 વર્ષના વિરામ બાદ આ ઉત્સવ ફરી ભદ્ર વિસ્તારમાં યોજાશે.
ભદ્ર કિલ્લો, પ્રેમાભાઈ હોલ પરિસર અને ભદ્ર પ્લાઝા ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેમાં લોકકલા, સંગીત, નાટ્યકલા, કઠપૂતળી પ્રદર્શન અને પરંપરાગત ગુજરાતી કથાપ્રસ્તુતિનો સમાવેશ થાય છે.હેરિટેજ વીકની ઉજવણી 19થી 25 નવેમ્બર દરમિયાન થશે. તેથી ભદ્ર અને આસપાસના વિસ્તારોમાં અવરજવર કરતા નાગરિકોએ જાહેર કરાયેલા ટ્રાફિક ડાયવર્ઝનનું પાલન કરવું જરૂરી છે.










