ધોનીની IPLમાંથી વિદાય પર પત્ની સાક્ષી ભાવુક, લખ્યું – ‘માહી, તારા પર ખૂબ ગર્વ છે’

17 નવેમ્બર 2026ના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ જાહેરાત કરી હતી કે ધોની હવે IPL 2027થી ટીમના મેન્ટર તરીકે નવી જવાબદારી સંભાળશે

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાં ખેલાડી તરીકેની કારકિર્દીનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. 17 નવેમ્બર 2026ના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ જાહેરાત કરી હતી કે ધોની હવે IPL 2027થી ટીમના મેન્ટર તરીકે નવી જવાબદારી સંભાળશે. આ જાહેરાત બાદ તેમની પત્ની સાક્ષી ધોનીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક સંદેશ શેર કર્યો છે.

સાક્ષીએ ધોનીની તસવીર સાથે લખ્યું કે, ‘કેટલાક અધ્યાયો પૂરા થાય છે, જેથી સુંદર નવા અધ્યાયોની શરૂઆત થઈ શકે. માહી, તારા પર ખૂબ ગર્વ છે.’

સાક્ષીએ ચાહકોનો માન્યો આભાર

સાક્ષીએ પોતાની પોસ્ટમાં ધોનીને વર્ષો સુધી પ્રેમ અને સાથ આપનારા ચાહકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

તેમણે લખ્યું કે, માહીને પ્રેમ કરનારા, તેને સપોર્ટ કરનારા અને તેના પર વિશ્વાસ રાખનારા તમામ લોકોનો આભાર. ભલે તેઓ ચાહકોને વ્યક્તિગત રીતે ઓળખતા હોય કે નહીં, તેમનો પ્રેમ હંમેશાં યાદ રહેશે.

સાક્ષીએ આગળ લખ્યું કે તેઓ આ પ્રેમ માટે હંમેશાં આભારી રહેશે. હવે નવી શરૂઆત, નવા સાહસો અને સુંદર યાદો બનાવવાનો સમય છે.

ધોની હવે CSKમાં મેન્ટરની ભૂમિકા ભજવશે

ચેન્નાઈ સુપર કિંગ્સે સ્પષ્ટ કર્યું છે કે ધોની ખેલાડી તરીકે IPLમાં નહીં રમે, પરંતુ ટીમ સાથે જોડાયેલા રહેશે. IPL 2027થી તેઓ મેન્ટર તરીકે યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપશે.

ધોની 2008થી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા છે. તેમના નેતૃત્વમાં ટીમે પાંચ વખત IPL ટ્રોફી જીતી છે. 2010, 2011, 2018, 2021 અને 2023માં CSK ચેમ્પિયન બની હતી.

19 વર્ષના IPL સફરનો અંત

ધોનીએ IPLની શરૂઆતની સિઝન 2008થી જ પોતાની સફર શરૂ કરી હતી. લાંબા સમય સુધી તેમણે પોતાની કેપ્ટનશિપ, વિકેટકીપિંગ અને ફિનિશિંગ ક્ષમતાથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.

વર્ષ 2020માં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. હવે IPLમાં પણ ખેલાડી તરીકેની તેમની સફર પૂર્ણ થઈ છે. જોકે, મેન્ટર તરીકે તેઓ ચેન્નાઈની ટીમ સાથે જોડાયેલા રહેશે.

 

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!