શહેરના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભદ્રકાળી મંદિર પરિસરમાં પ્રથમવાર નવા રસોડાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

શહેરના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભદ્રકાળી મંદિર પરિસરમાં પ્રથમવાર નવા રસોડાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમદાવાદના મેયર હિતેશ બારોટના હસ્તે આ રસોડાનું લોકાર્પણ કરાયું હતું. હવે માતાજીનો નિત્ય થાળ, રાજભોગ અને પ્રસાદ મંદિર પરિસરમાં જ તૈયાર કરવામાં આવશે.
અત્યાર સુધી માતાજીનો રાજભોગ અન્ય સ્થળે તૈયાર કરીને મંદિર સુધી પહોંચાડવામાં આવતો હતો. નવી વ્યવસ્થા શરૂ થતાં હવે મંદિર પરિસરમાં જ ભોજન તૈયાર થશે. આથી ભોગની તૈયારીમાં સ્વચ્છતા અને શુદ્ધતા જાળવવામાં વધુ સરળતા રહેશે.
સ્વચ્છતા અને શુદ્ધતા પર વિશેષ ધ્યાન
મંદિર ટ્રસ્ટ દ્વારા નવા રસોડામાં સ્વચ્છતા અને હાઇજીનનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. રસોઈમાં શુદ્ધ ઘી અને મસાલાનો ઉપયોગ થાય તેની પણ કાળજી લેવાશે.
આ વ્યવસ્થાથી દરરોજ માતાજીને ધરાવવામાં આવતા નિત્ય થાળ અને રાજભોગની તૈયારી વધુ સુવ્યવસ્થિત બનશે. ઉપરાંત પૂનમ અને અન્ય ખાસ તહેવારો દરમિયાન ભક્તો માટે પ્રસાદ તૈયાર કરવામાં પણ સરળતા રહેશે.
ઉદ્ઘાટન પ્રસંગે મેયર સહિત મહાનુભાવો ઉપસ્થિત
નવા રસોડાના લોકાર્પણ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સાધુ-સંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે માતાજીને ધરાવવામાં આવતા રાજભોગમાં સ્વચ્છતા અને શુદ્ધતા જળવાઈ રહે તે હેતુથી મંદિર પરિસરમાં જ રસોડાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.આ નવી સુવિધાથી ભદ્રકાળી માતાજીના ભક્તોને વધુ સુવ્યવસ્થિત પ્રસાદ વ્યવસ્થા ઉપલબ્ધ થશે.










