દહેગામ તાલુકાના બારીયાથી દેવકરણના મુવાડા તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પરથી ડામર ઉખડી ગયો છે અને ઠેર-ઠેર ઊંડા ખાડા પડી ગયા છે.

દહેગામ તાલુકાના બારીયાથી દેવકરણના મુવાડા તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પરથી ડામર ઉખડી ગયો છે અને ઠેર-ઠેર ઊંડા ખાડા પડી ગયા છે. પરિણામે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તા પર કાંકરી અને મોટા ખાડા, અકસ્માતનો ભય
આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો અવરજવર કરે છે. નોકરિયાતો, ખેડૂતો તેમજ શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ રસ્તો મહત્વનો છે.
જોકે, રસ્તાની હાલત અત્યંત ખરાબ હોવાથી મુસાફરી જોખમી બની છે. રસ્તા પર પથરાયેલી કાંકરી અને ઊંડા ખાડાઓને કારણે વાહનચાલકોએ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું જોખમભર્યું બન્યું છે.
સમારકામ નહીં થતાં ગ્રામજનોમાં રોષ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ચોમાસા બાદ પણ માર્ગની સ્થિતિ સુધારવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ખાડાઓને કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ, અકસ્માતની શક્યતા સતત રહેતી હોવાથી ગ્રામજનોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

માર્ગનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ
ગ્રામજનોએ જવાબદાર માર્ગ અને મકાન વિભાગ સમક્ષ આ માર્ગનો તાત્કાલિક સર્વે કરવાની માંગ કરી છે. સાથે જ રસ્તાની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય સમારકામ અથવા સંપૂર્ણ નવીનીકરણ હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત તંત્ર ગ્રામજનોની આ સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને માર્ગની સ્થિતિ સુધારવા ક્યારે કામગીરી શરૂ કરે છે.










