પંજાબી સુપરસ્ટાર અને જાણીતા ગાયક દિલજીત દોસાંઝ હાલ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 21 નવેમ્બરે યોજાનારા તેમના ભવ્ય કોન્સર્ટ પહેલાં તેમણે સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી

પંજાબી સુપરસ્ટાર અને જાણીતા ગાયક દિલજીત દોસાંઝ હાલ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 21 નવેમ્બરે યોજાનારા તેમના ભવ્ય કોન્સર્ટ પહેલાં તેમણે સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગીરની જંગલ સફારી, કાઠિયાવાડી ભોજન અને ગિરનાર પર્વત પર અંબાજી માતાનાં દર્શન કરીને ગુજરાતની સંસ્કૃતિનો અનુભવ કર્યો હતો.
રોપ-વે મારફતે ગિરનાર પહોંચ્યા દિલજીત
બુધવારે, 18 નવેમ્બરની સવારે દિલજીત દોસાંઝ પોતાની ટીમ અને પોલીસ સુરક્ષા સાથે ભવનાથ તળેટી પહોંચ્યા હતા. અહીંથી તેમણે રોપ-વે મારફતે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના મંદિર સુધી પહોંચીને દર્શન કર્યા હતા.
મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ દિલજીતે ‘જય માતાજી, જય ગિરનારી’ના જયઘોષ કર્યા હતા. તેમણે ગિરનારના પગથિયાં ચઢીને માતાજીના દર્શન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. જોકે, આ વખતે તેમણે રોપ-વેનો ઉપયોગ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર શેર કર્યો ગિરનારનો વીડિયો
દિલજીતે પોતાની આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં તેઓ ગિરનાર પર્વતની સુંદરતા નિહાળતા અને મંદિરમાં પ્રાર્થના કરતા જોવા મળે છે.
તેમણે વીડિયો સાથે ગિરનાર પર્વતનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે આ પર્વતની રચના આશરે 6.6 કરોડ વર્ષ પહેલાં થઈ હતી. વીડિયોમાં ભક્તિભાવનો માહોલ પણ જોવા મળે છે.
કાઠિયાવાડી થાળીના સ્વાદથી થયા પ્રભાવિત
ગિરનારની મુલાકાત પહેલાં દિલજીતે સાસણ ગીર ખાતે જંગલ સફારીનો આનંદ માણ્યો હતો. અહીં તેમણે ખુલ્લી જીપમાં ગીરનાં સિંહો અને તેમના પરિવારને નિહાળ્યા હતા.
આ પ્રવાસ દરમિયાન તેમણે કાઠિયાવાડી થાળીનો સ્વાદ પણ માણ્યો હતો. ભોજન પીરસતી વખતે શરૂઆતમાં જ મીઠાઈ આવતાં દિલજીતે રમૂજી અંદાજમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે મજાકમાં કહ્યું કે જમવાનું શરૂ થાય તે પહેલાં જ મીઠાઈ આવી ગઈ તો પછી આગળનું ભોજન કેવી રીતે ખાઈશું?
કાઠિયાવાડી વાનગીઓનો સ્વાદ માણ્યા બાદ તેમણે ગુજરાતી ભોજનનાં વખાણ કર્યા હતા. સાથે જ ગુજરાત ન આવેલા લોકોને અહીં આવીને ભોજનનો સ્વાદ માણવાની અપીલ કરી હતી.
21 નવેમ્બરે અમદાવાદમાં દિલજીતનો મેગા કોન્સર્ટ
દિલજીત દોસાંઝ હાલ પોતાની ‘ઓરા ઈન્ડિયા ટૂર 2026’ અંતર્ગત દેશના વિવિધ શહેરોમાં કાર્યક્રમો કરી રહ્યા છે. આ ટૂર હેઠળ 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમનો લાઈવ કોન્સર્ટ યોજાશે.
અમદાવાદ બાદ 27 નવેમ્બરે મુંબઈ અને 29 નવેમ્બરે બેંગલુરુમાં તેમનો કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારબાદ 5 ડિસેમ્બરે લખનઉમાં તેઓ ચાહકો સમક્ષ પરફોર્મ કરશે.
ગુજરાતના પ્રવાસ દરમિયાન દિલજીતે સંગીતની સાથે અહીંની ધાર્મિક પરંપરા, પ્રાકૃતિક સૌંદર્ય અને સ્વાદિષ્ટ ભોજનનો પણ આનંદ માણ્યો છે. તેમની આ મુલાકાતના વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.










