દીવ, દમણ અને દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલે સાબરકાંઠામાં જાહેર મંચ પરથી બંને સમાજને એક થવાની હાકલ કરી છે.

ગુજરાતના રાજકારણમાં પાટીદાર અને ચૌધરી સમાજની એકતાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. દીવ, દમણ અને દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલે સાબરકાંઠામાં જાહેર મંચ પરથી બંને સમાજને એક થવાની હાકલ કરી છે. તેમના નિવેદનને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પણ સમર્થન આપ્યું છે. આ નિવેદન બાદ રાજ્યમાં સામાજિક અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદાના નામે એકતાની અપીલ
સાબરકાંઠામાં મા અર્બુદા માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પ્રફુલ પટેલે આ નિવેદન આપ્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત હતા.
પ્રફુલ પટેલે જણાવ્યું કે મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો છે. ત્યારે ત્રણેય માતાજીઓનાં સંતાનો અલગ કેમ રહે? તેમણે કડવા અને લેઉવા પટેલ વચ્ચેનો ભેદ ભૂલવા તેમજ ચૌધરી સમાજને પણ સાથે જોડવાની અપીલ કરી હતી.
તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ વાત રાજકીય એકતાની નહીં, પરંતુ સામાજિક એકતાની છે. ખેતી સાથે જોડાયેલા વિવિધ સમાજના લોકોને વિશાળ દૃષ્ટિકોણથી સાથે લાવવા તેમણે સમાજના આગેવાનોને અપીલ કરી હતી.
શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન
પ્રફુલ પટેલની અપીલને શંકર ચૌધરીએ આવકારી હતી. તેમણે જણાવ્યું કે મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા જગદંબાનાં અલગ-અલગ સ્વરૂપો છે. તેથી તમામ સમાજોએ સાથે મળીને આગળ વધવું જોઈએ.
શંકર ચૌધરીએ સામાજિક એકતા અને વ્યસનમુક્તિ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે સમાજના લોકોને વ્યસનથી દૂર રહેવા અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવા અપીલ કરી હતી.
ઊંઝા ઉમિયાધામના પ્રમુખ સહિત પાટીદાર આગેવાનોનું સમર્થન
પ્રફુલ પટેલના નિવેદનને ઊંઝા ઉમિયાધામના પ્રમુખ એમ.એસ. પટેલે પણ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે પાટીદાર અને ચૌધરી સમાજ મૂળભૂત રીતે એકબીજા સાથે જોડાયેલા છે. આ મુદ્દો અનામતનો નહીં, પરંતુ સામાજિક અને ધાર્મિક એકતાનો છે.
પાટીદાર આગેવાન કિરીટ પટેલ અને વરુણ પટેલે પણ આ વિચારને આવકાર્યો છે. વરુણ પટેલે બંને સમાજને અંદરોઅંદર સંઘર્ષ કરવાને બદલે એકજૂટ થઈને આગળ વધવાની અપીલ કરી હતી.
લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ
બીજી તરફ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રફુલ પટેલની અપીલ સામે અસહમતિ વ્યક્ત કરી છે. તેમણે આ નિવેદન પાછળ રાજકીય હેતુ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. સમાજના મંચનો ઉપયોગ રાજકીય હેતુ માટે ન થવો જોઈએ તેવી ટકોર પણ કરી હતી.
આમ, પાટીદાર અને ચૌધરી સમાજની એકતાની અપીલને કેટલાક આગેવાનોનું સમર્થન મળ્યું છે, જ્યારે બીજી તરફ રાજકીય સવાલો પણ ઊભા થયા છે. ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં આ મુદ્દો કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.










