ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે રાજ્યના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કર્યો છે. 25 નવેમ્બર 2026ના રોજ જાહેર કરાયેલા આદેશો મુજબ, રાજ્યના 86 મામલતદારોની બદલી કરવામાં આવી છે.

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે રાજ્યના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કર્યો છે. 25 નવેમ્બર 2026ના રોજ જાહેર કરાયેલા આદેશો મુજબ, રાજ્યના 86 મામલતદારોની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ નાયબ મામલતદારોને બઢતી આપીને મામલતદાર બનાવાયા છે. જ્યારે ગુજરાત વહીવટી સેવા (GAS) જુનિયર સ્કેલ વર્ગ-1ના 8 અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
એકસાથે આટલી મોટી સંખ્યામાં બદલીઓ થતાં મહેસૂલ વિભાગની વિવિધ કચેરીઓ અને તાલુકાઓમાં અધિકારીઓના કાર્યક્ષેત્રમાં ફેરફાર થશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરત, રાજકોટ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં નવી નિમણૂકો કરવામાં આવી છે.
ખેડા અને આણંદ જિલ્લામાં કોને ક્યાં મુકાયા?
મહેસૂલ વિભાગના બદલીના આદેશમાં મધ્ય ગુજરાતના ખેડા અને આણંદ જિલ્લાઓમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. આણંદ શહેરમાં રાજેશકુમાર વી. વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે. ઉમરેઠ ખાતે સી.બી. પરમારને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે તારાપુર ખાતે હેમા નાગજીભાઈ દેસાઈની નિમણૂક કરાઈ છે.
ખેડા જિલ્લામાં નડિયાદ શહેર ખાતે અશ્વિનકુમાર ખાટાભાઈ બારૈયા, ખેડા ખાતે નિમેષકુમાર પી. પારેખ અને કઠલાલ ખાતે રાજેન્દ્રકુમાર ખુશાલભાઈ યાદવને નવી જવાબદારી સોંપવામાં આવી છે. મહુધા ખાતે જયેશભાઈ જે. તળપદાની નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં પણ ફેરફાર
અમદાવાદ જિલ્લામાં અસારવા, ધોળકા, માંડલ, સાણંદ, વેજલપુર અને ધોલેરા સહિતના વિસ્તારોમાં મામલતદારોની બદલી કરવામાં આવી છે. સુરત જિલ્લામાં કામરેજ, માંગરોળ, ચોર્યાસી, અડાજણ અને ઉધના જેવા વિસ્તારોમાં પણ નવી નિમણૂકો થઈ છે.
આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જામનગર, વડોદરા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, જૂનાગઢ, દાહોદ, પંચમહાલ અને અન્ય જિલ્લાઓમાં પણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
ત્રણ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી
મહેસૂલ વિભાગે ત્રણ નાયબ મામલતદારોને બઢતી આપીને મામલતદાર વર્ગ-2 તરીકે નવી જગ્યાએ નિમણૂક કરી છે.
- નિલેશ એ. ખરાડી: વડનગર, મહેસાણા
- અર્પણ એસ. ચાવડા: સાબરકાંઠા
- નરેન્દ્ર એન. ચૌધરી: નસવાડી, છોટાઉદેપુર
8 GAS અધિકારીઓને નવી જવાબદારી
ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1ના 8 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. વંદના એચ. પરમારને ગાંધીનગર, હિરલબેન બી. ભાલાળાને સુરત અને પાર્થ એચ. તલસાણીયાને વડોદરા ખાતે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત એચ.એન. રાવલને મહેસાણા, હંસરાજસિંહ જે. ગોહિલને મોરબી, નિલક્ષ એચ. મકવાણાને છોટાઉદેપુર, મૃણાલદેવી એ. ગોહિલને ગાંધીનગર અને હર્ષદીપ કે. આચાર્યને જામનગર શહેર ખાતે નવી નિમણૂક આપવામાં આવી છે.
મહેસૂલ વિભાગના આ આદેશથી રાજ્યના વહીવટી માળખામાં મોટો ફેરફાર થયો છે. હવે નવી જગ્યાએ નિમણૂક પામેલા અધિકારીઓ આગામી દિવસોમાં તેમની જવાબદારી સંભાળશે.










