ગુજરાતના રાજકારણમાં પાટીદાર અનામત આંદોલનના બે જાણીતા ચહેરા હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા ફરી ચર્ચામાં આવ્યા છે

ગુજરાતના રાજકારણમાં પાટીદાર અનામત આંદોલનના બે જાણીતા ચહેરા હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા ફરી ચર્ચામાં આવ્યા છે. બંને નેતાઓની સોશિયલ મીડિયા પર આવેલી આક્રમક પોસ્ટે રાજકીય વર્તુળોમાં અનેક અટકળો જગાવી છે. ખાસ વાત એ છે કે એક સમયે સરકાર સામે આંદોલન કરનારા બંને નેતાઓ આજે ભાજપ સાથે જોડાયેલા છે. ત્યારે તેમની એકસરખા અંદાજની પોસ્ટ પાછળનું કારણ શું છે તે અંગે ચર્ચા તેજ બની છે.
હાર્દિક પટેલે શું પોસ્ટ કરી?
વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે 25 નવેમ્બરની સાંજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. તેની સાથે તમિલ અભિનેતા અને રાજકારણી વિજય થલપતિનું ગીત પણ મૂક્યું હતું.
હાર્દિકે પોસ્ટમાં લખ્યું હતું કે, “મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા, દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે એ જરૂરી નથી.”
તેમણે આ પોસ્ટમાં કોઈ વ્યક્તિ કે રાજકીય મુદ્દાનો સીધો ઉલ્લેખ કર્યો નહોતો. તેથી આ સંદેશ કોના માટે હતો તે અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી.
અલ્પેશ કથીરિયાએ જૂની તસવીર સાથે આપ્યો સાથ
હાર્દિકની પોસ્ટ બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ સાથી અલ્પેશ કથીરિયાએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે હાર્દિક પટેલ સાથેની જૂની તસવીર શેર કરી હતી.
અલ્પેશે લખ્યું હતું કે, “અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ના કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં. અમે સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ, બાકી અમને દરેક પાને પોતાનું નામ લખવાનો શોખ નથી.”
બંને પોસ્ટમાં ખામોશી, સ્વાભિમાન અને જવાબ આપવાની તાકાત જેવા શબ્દો સામેલ હોવાથી રાજકીય ચર્ચાએ વેગ પકડ્યો છે.
અલ્પેશે સ્પષ્ટ કર્યું: હાર્દિકના સમર્થનમાં પોસ્ટ કરી
અલ્પેશ કથીરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે તેમણે હાર્દિક પટેલના સમર્થનમાં પોસ્ટ મૂકી છે. જોકે, હાર્દિકે પોતાની મૂળ પોસ્ટ કયા કારણસર મૂકી હતી તેની તેમને જાણ નથી.
અલ્પેશે વધુમાં જણાવ્યું હતું કે આ મુદ્દે હાર્દિક પટેલ સાથે તેમની કોઈ ચર્ચા પણ થઈ નથી. એટલે બંને પોસ્ટ પાછળ કોઈ ચોક્કસ રાજકીય મુદ્દો છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.
2027ની ચૂંટણી પહેલાં પાટીદાર રાજકારણમાં નવી ચર્ચા
2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા બંને અગ્રણી ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. સમય જતાં બંનેની રાજકીય સફરમાં ફેરફાર આવ્યો અને તેઓ ભાજપની રાજકીય છાવણીમાં જોડાયા.
હવે ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે બંને નેતાઓની આવી પોસ્ટથી પાટીદાર સમાજના રાજકીય પ્રતિનિધિત્વ, નેતૃત્વ અને ભાજપમાં તેમની ભૂમિકા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
શું આ પોસ્ટ માત્ર વ્યક્તિગત લાગણીની અભિવ્યક્તિ છે? શું તેની પાછળ કોઈ રાજકીય સંદેશ છુપાયેલો છે? કે પછી પાટીદાર રાજકારણમાં કોઈ નવી ગોઠવણના સંકેત છે? હાલ આ સવાલોના જવાબ મળ્યા નથી. બંને નેતાઓએ પોસ્ટ પાછળનો ચોક્કસ હેતુ જાહેર કર્યો નથી.










