EPFOની મોટાભાગની સેવાઓ ઓનલાઈન અને મફત ઉપલબ્ધ છે. કોઈપણ થર્ડ પાર્ટી એજન્ટ અથવા સાયબર કાફે ઓપરેટરને તમારી PF ખાતાની માહિતી અથવા પૈસા આપતા પહેલા બે વાર વિચારજો. તમારી મહેનતની કમાણી અને તમારી અંગત માહિતીને સુરક્ષિત રાખો.
અમદાવાદ, મંગળવાર
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ તેના કરોડો સભ્યોને થર્ડ પાર્ટી એજન્ટો અને સાયબર કાફે ઓપરેટરોથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે. EPFO એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આવા એજન્ટો EPFO સભ્યો પાસેથી એવી સેવાઓ માટે મોટી રકમ વસૂલી રહ્યા છે જે EPFO દ્વારા સત્તાવાર રીતે સંપૂર્ણપણે મફત આપવામાં આવે છે. આનાથી સભ્યોની આર્થિક સુરક્ષા જોખમાય છે અને તેમની ગોપનીય માહિતી લીક થવાનો ભય રહે છે.
શા માટે EPFOએ આપી આ ચેતવણી?
શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, EPFOના ધ્યાનમાં આવ્યું છે કે ઘણા સાયબર કાફે ઓપરેટરો અને ફિનટેક કંપનીઓ EPFO સભ્યોને તેમના PF ખાતા સંબંધિત સેવાઓ જેવી કે ફરિયાદ નોંધણી, સ્ટેટસ ચેક કરવું, પાસબુક ડાઉનલોડ કરવી વગેરે માટે ખોટી રીતે ચાર્જ કરી રહી છે. આમાંના મોટાભાગના કિસ્સાઓમાં, આ ઓપરેટરો ફક્ત EPFO ના ઓનલાઈન ફરિયાદ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, જે કોઈપણ સભ્ય પોતે મફતમાં ઉપયોગ કરી શકે છે.
EPFOએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ થર્ડ પાર્ટી એજન્સીઓ EPFO દ્વારા અધિકૃત નથી. તેમની સાથે માહિતી શેર કરવાથી સભ્યોનો ફાઇનાન્સિયલ ડેટા સાર્વજનિક થઈ શકે છે અને છેતરપિંડીનો ભય વધી શકે છે. EPFOના 7 કરોડથી વધુ સભ્યો છે, જેમાં ખાનગી અને સરકારી કંપનીઓના વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ શામેલ છે.
તમારું “ખિસ્સું” કેવી રીતે કપાઈ રહ્યું છે?
ફરિયાદ નોંધણી: EPFOની ઓનલાઈન ફરિયાદ સિસ્ટમ મફત હોવા છતાં, એજન્ટો ફરિયાદ નોંધાવવા માટે પૈસા લે છે.
પાસબુક ડાઉનલોડ: તમારી PF પાસબુક ઓનલાઈન ડાઉનલોડ કરવી સરળ અને મફત છે, પરંતુ એજન્ટો આ માટે પણ ચાર્જ કરે છે.
અન્ય સેવાઓ: PF ઉપાડ, KYC અપડેટ વગેરે જેવી સેવાઓ માટે પણ તેઓ મનસ્વી ચાર્જ વસૂલે છે.
EPFOની મજબૂત ફરિયાદ નિવારણ પ્રણાલી
શ્રમ મંત્રાલયના નિવેદન અનુસાર, EPFO પાસે એક મજબૂત ફરિયાદ મોનીટરીંગ અને નિવારણ પ્રણાલી છે. સભ્યો તેમની ફરિયાદો કેન્દ્રીયકૃત જાહેર ફરિયાદ નિવારણ અને મોનીટરીંગ સિસ્ટમ અથવા EPF I ફરિયાદ વ્યવસ્થાપન સિસ્ટમ પ્લેટફોર્મ પર નોંધાવી શકે છે. આ ફરિયાદો સમયબદ્ધ રીતે મોનીટર કરવામાં આવે છે અને તેનું નિરાકરણ લાવવામાં આવે છે.
નાણાકીય વર્ષ 2024-25 માં, EPFIGMSમાં કુલ 16,01,202 ફરિયાદો અને CPGRAMSમાં 1,74,328 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. તેમાંથી, 98% ફરિયાદોનું સમય-મર્યાદામાં નિરાકરણ કરવામાં આવ્યું હતું, જે EPFOની કાર્યક્ષમતા દર્શાવે છે.
શું કરવું?
EPFOએ સભ્યોને સલાહ આપી છે કે તેઓ પોતાના PF ખાતા સંબંધિત સેવાઓ માટે ફક્ત EPFO ના સત્તાવાર ઓનલાઈન પ્લેટફોર્મનો જ ઉપયોગ કરે. આનાથી તમારી ગોપનીય માહિતી સુરક્ષિત રહેશે અને તમે કોઈપણ પ્રકારના રિસ્ક અને ફ્રોડથી બચી શકશો.











