રાજ્યભરમાં 751 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ છે. આમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં 102 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે, જે એક રેકોર્ડ છે.

અમદાવાદ, મંગળવાર
ગુજરાતમાં આગામી 22મી જૂનના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે કુલ 751 ગ્રામ પંચાયતોને બિનહરીફ જાહેર કરી છે. આ પંચાયતોમાં સરપંચ અને સભ્યો માટે કોઈ હરીફ ઉમેદવાર ન હોવાથી ચૂંટણી યોજાશે નહીં.
સમરસ કરવાના પ્રયાસો ફળ્યા
લાંબા સમયથી ગ્રામ પંચાયતોને “સમરસ” બનાવવા માટે ધારાસભ્યો, મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ માટે લાખો રૂપિયાના ઈનામ અને ગ્રાન્ટની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વસંમતિથી પંચાયતોની રચના કરવાનો હતો. આ પ્રયાસો ફળ્યા હોય તેમ મોટી સંખ્યામાં પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે.
કયા જિલ્લામાં કેટલી પંચાયતો બિનહરીફ?
રાજ્યભરમાં 751 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ છે. આમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં 102 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે, જે એક રેકોર્ડ છે. ત્યારબાદ જામનગરમાં 60 અને બનાસકાંઠામાં 59 પંચાયતો બિનહરીફ થઈ છે. જોકે, કેટલીક પંચાયતોમાં સ્થાનિક વિવાદોને કારણે ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે, જ્યાં એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી.
ચૂંટણી અને પરિણામની તારીખ
જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે, ત્યાં 22મી જૂનના રોજ મતદાન થશે અને 25મી જૂનના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે.
આ ઉપરાંત, આ પહેલા 19મી જૂનના રોજ કડી અને વિસાવદર બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. આજે આ પેટાચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને ત્યારબાદ રેલીઓ અને સભા સરઘસો યોજી શકાશે નહીં. ઉમેદવારો દ્વારા આજે પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.











