હિમાચલમાં કુદરતનો કહેર: 10 દિવસમાં 44ના મોત, 22 વિસ્તારોમાં ‘હાઈ રિસ્ક’ લેન્ડસ્લાઈડનું એલર્ટ!

ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે 20 કરોડ રૂપિયાના સ્ટોક બ્રિજ પણ તૈયાર રાખવામાં આવ્યા છે, જેથી કોઈ પુલ તૂટવાની સ્થિતિમાં તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી શકાય. સરકારે લોકોને સંવેદનશીલ વિસ્તારોમાં મુસાફરી ટાળવા અને પ્રશાસનના દિશા-નિર્દેશોનું પાલન કરવા અપીલ કરી છે.

 

હિમાચલ પ્રદેશ, મંગળવાર
હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 44 લોકોએ જીવ ગુમાવ્યો છે. સોમવારે રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલ લેન્ડસ્લાઈડ મોનિટરિંગ રિપોર્ટે સરકાર અને સ્થાનિક લોકોની ચિંતામાં ભારે વધારો કર્યો છે.

22 જગ્યાઓ પર લેન્ડસ્લાઈડની ચેતવણી
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના 30 જૂન સુધીના આંકડા પર આધારિત આ રિપોર્ટ અનુસાર, પ્રદેશના 22 વિસ્તારોને લેન્ડસ્લાઈડ સંભવિત તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. ચિંતાની વાત એ છે કે આમાંથી 17 સ્થળોને ‘હાઈ રિસ્ક’ કેટેગરીમાં અને એક સ્થળને ‘વેરી હાઈ રિસ્ક’ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. કાંગડા જિલ્લાના સંધોલ વિસ્તારને વેરી હાઈ રિસ્ક ઝોન તરીકે જાહેર કરાયો છે, જે હાલમાં રાજ્યનો સૌથી ખતરનાક અને સંવેદનશીલ વિસ્તાર બન્યો છે.

આ લિસ્ટમાં સૌથી વધુ મંડી જિલ્લાના 15 સ્થળોનો સમાવેશ થાય છે, જેમાં પ્રખ્યાત ટુરિસ્ટ સ્પોટ પરાશર, ગ્રિફોન પીક-1 થી 10, સનાલી અને તત્તાપાની જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ સિવાય કાંગડાના 4, શિમલાના 2 અને સોલનનો 1 વિસ્તાર પણ ‘હાઈ રિસ્ક’ ઝોનમાં છે. કાંગડા જિલ્લાનું મુખ્ય મથક ધર્મશાળા અને શિમલા જિલ્લાનું જતોગ પણ આ લિસ્ટમાં સામેલ છે. જોકે, રાહતની વાત એ છે કે તમામ 22 સંવેદનશીલ સ્થળો પર મોનિટરિંગ ટીમો સક્રિય રીતે કામ કરી રહી છે અને હાલમાં કોઈ પણ સ્થળ ‘ખતરનાક સ્થિતિ’માં નિષ્ક્રિય નથી.

10 દિવસમાં 75 કરોડનું નુકસાન, 390 રસ્તાઓ બંધ
20 થી 30 જૂન દરમિયાન રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓ પર નજર કરીએ તો 44 લોકોના મોત નિપજ્યાં છે, તો 82 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પશુ મૃત્યુ: 83, મિલકત નુકસાન: 35 મકાનો, 8 દુકાનો અને 26 ગૌશાળાઓ સંપૂર્ણપણે નાશ પામી છે.

આ ભીષણ વરસાદને કારણે રાજ્યને અત્યાર સુધીમાં અંદાજે 75 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે, જેમાં જલ શક્તિ વિભાગ અને લોક નિર્માણ વિભાગ (PWD)ને સૌથી વધુ અસર થઈ છે.

બીજી તરફ, રાજ્યના PWD મંત્રી વિક્રમાદિત્ય સિંહે જણાવ્યું કે, સમગ્ર પ્રદેશમાં વરસાદ અને લેન્ડસ્લાઈડને કારણે 390 જેટલા રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આ માર્ગોને ફરીથી ખોલવા માટે 110 ડિપાર્ટમેન્ટલ JCB અને 132 ખાનગી મશીનો યુદ્ધના ધોરણે કામે લાગેલા છે. વિભાગનો ટાર્ગેટ આગામી ત્રણ દિવસમાં તમામ રસ્તાઓ પૂર્વવત કરવાનો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!