પ્રાકૃતિક ખેતી એ આજના સમયની માંગ છે, અને ગુજરાત આ ક્ષેત્રે એક અગ્રણી રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે. આ મુલાકાત દર્શાવે છે કે દુનિયાભરમાંથી લોકો ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી વિશે જ્ઞાન મેળવવા માટે ઉત્સુક છે.

ગાંધીનગર, રવિવાર
ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રયાસો અને રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વધતા વ્યાપને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની નોંધ લેવાઈ રહી છે. આના ભાગરૂપે, તાજેતરમાં ગ્રેનેડા દેશથી આવેલા એક વિદેશી ડેલિગેશને ગુજરાતની મુલાકાત લીધી હતી. આ ડેલિગેશન ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મેળવવા અને તેને સમજવા માટે આવ્યું હતું.
ગ્રેનેડાના આ પ્રતિનિધિઓએ સૌપ્રથમ ગુજરાત રાજ્ય સહકારી સંઘની મુલાકાત લઈ ભારતમાં અને ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી. ત્યારબાદ, તેઓ ગાંધીનગરના સિહોલી મોટી ખાતે આવેલા શ્રી નરેન્દ્ર મંદીરના ‘પ્રાતેનમા’ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતે ગયા હતા. આ ફાર્મ પર તેમણે પ્રાકૃતિક ખેતીની ઝીણવટભરી માહિતી મેળવી.

પ્રાતેનમા ફાર્મ ખાતે, ગ્રેનેડાના પ્રતિનિધિઓએ પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ, તેના અમલીકરણના તબક્કાઓ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી. તેમણે અનેક પ્રશ્નો પૂછ્યા હતા અને તેના સંતોષકારક જવાબો મળતાં તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. આ ડેલિગેશને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પદ્મશ્રી સુભાષ પાલેકર, અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત ગાંધીનગર કલેકટર મેહુલ દવે અને કૃષિ વિભાગના અન્ય અધિકારીઓના પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારમાં આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી.

આપને જણાવી દઇએ કે, ગ્રેનેડા, વેસ્ટ ઈન્ડિઝમાં આવેલો એક ટાપુ દેશ છે, જે કેરેબિયન સીમાં સ્થિત છે. આ દેશ ખાસ કરીને જાયફળના મોટા વાવેતર માટે જાણીતો છે. ડુંગરો, પર્વતમાળાઓ, ઝરણાં, દરિયો અને જંગલો જેવી કુદરતી સંપદાથી ભરપૂર આ નાના દેશનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ત્યાં વટાણા અને મકાઈ મુખ્ય પાક છે. આ મુલાકાતથી ગ્રેનેડાના પ્રતિનિધિઓને તેમના દેશમાં પ્રાકૃતિક ખેતીના અમલીકરણ માટે મૂલ્યવાન જ્ઞાન અને પ્રેરણા મળી છે.
આ મુલાકાત દરમિયાન, કેનેડાથી આવેલા એક દુભાષિયાએ ભાષાંતરનું કાર્ય કર્યું હતું, જ્યારે ગુજરાતના સહકાર વિભાગના દીપશિખા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય આદાનપ્રદાન ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને વૈશ્વિક સ્તરે તેનું મહત્વ સમજાવવામાં મદદરૂપ થશે.











