ગુજરાતના બ્રિજની સુરક્ષાનો માસ્ટરપ્લાન: 36 જોખમી બ્રિજ બંધ, 94ની ફરી તપાસ!

સરકારનો આ નિર્ણય રાજ્યના નાગરિકોની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આગામી સમયમાં આ તપાસના આધારે જરૂરી મેન્ટેનન્સ અને રિપેરિંગ કામો હાથ ધરવામાં આવશે, જેથી ગુજરાતના બ્રિજ લાંબા સમય સુધી સુરક્ષિત અને કાર્યરત રહી શકે.

અમદાવાદ, શુક્રવાર
ગુજરાત રાજ્યમાં બ્રિજની સુરક્ષાને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. હાલમાં જ બનેલી ગંભીર ઘટનાઓને પગલે રાજ્યભરના તમામ હયાત બ્રિજની સઘન તપાસ કરવા માટે જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. આ પગલું નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે લેવામાં આવ્યું છે.

જિલ્લા કક્ષાએ સઘન તપાસ અને સંકલન
રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન સાધીને તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ બ્રિજની ઝીણવટભરી ચકાસણી કરવા જણાવ્યું છે. આ તપાસમાં બ્રિજની હાલત, તેની ડિઝાઈન, મટિરિયલની ગુણવત્તા અને તેની સલામતી સહિતના પાસાઓની ચકાસણી કરવામાં આવશે.

94 બ્રિજની ફેરતપાસ અને સુરક્ષાત્મક પગલાં
માર્ગ અને મકાન વિભાગે કુલ 94 બ્રિજની ફેરતપાસ માટે ડિઝાઈનર અને કન્સલ્ટન્ટને સૂચના આપી છે. આ એવા બ્રિજ છે જે “જોખમી બ્રિજની શ્રેણી” માં આવે છે અને તેમની સુરક્ષા અંગે ફરીથી તપાસ કરવી અનિવાર્ય બની ગઈ છે. આ ઉપરાંત, ગંભીરા બ્રિજ દુર્ઘટના પહેલા જે 13 બ્રિજ બંધ કરાયા હતા તેની સાથે વધુ 23 જોખમી બ્રિજ પણ હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે. સલામતીના ભાગરૂપે, રાજ્યમાં કુલ 36 જોખમી બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં બ્રિજનું વ્યાપક નેટવર્ક
હાલમાં, ગુજરાત રાજ્યભરમાં કુલ 7,280 મેજર અને માઈનોર બ્રિજ કાર્યરત છે. આમાંથી 1,500 કરતા વધુ મેજર બ્રિજ છે, જ્યારે 5 હજારથી વધુ માઈનોર બ્રિજ આવેલા છે. આ તમામ બ્રિજની તપાસ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારને તેની વર્તમાન સ્થિતિ અંગે વિગતવાર રિપોર્ટ સુપરત કરવામાં આવશે. આનાથી રાજ્ય સરકારને બ્રિજના મેન્ટેનન્સ અને રિપેરિંગ માટે જરૂરી પગલાં લેવામાં મદદ મળશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!