નર્મદા કેનાલ બ્રિજ રિપેરિંગ: કલેક્ટર દ્વારા દહેગામ-નરોડા રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર

આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-135 ની પેટા કલમ-3 તથા ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

દહેગામ, શુક્રવાર
નર્મદા મેઈન કેનાલ પર આવેલા દહેગામ-નરોડા સ્ટેટ હાઈવે બ્રિજ પર ચાલી રહેલા રિપેરિંગ કામના કારણે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા 11 જુલાઈ, 2025ના રોજ જારી કરાયેલા જાહેરનામા મુજબ, બ્રિજનો એક ભાગ જર્જરિત થઈ જતા વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ડાયવર્ઝન 11 જુલાઈ, 2025ના બપોરે 12:00 વાગ્યાથી 21 ડિસેમ્બર, 2025ના રાત્રિના 24:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.

શા માટે આ ડાયવર્ઝન અપાયું?
નર્મદા મેઈન કેનાલ પર પર આવેલો આ બ્રિજ લગભગ 25 વર્ષ જૂનો છે. 22 ડિસેમ્બર, 2024 ના રોજ બ્રિજના નરોડા તરફના પહેલા ગાળાનો ફૂટપાથનો ભાગ જર્જરિત થઈ ગયો હતો. કાર્યપાલક ઈજનેર, નર્મદા યોજના મુખ્ય નહેર વિભાગ નંબર-2 દ્વારા કરવામાં આવેલી વિગતવાર તપાસ બાદ ફૂટપાથના આ ભાગને વધુ નુકસાન અટકાવવા માટે ભારે વાહનો, ST અને AMTS બસોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી હતી. જાહેર સલામતી અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રતિબંધિત રૂટ વિશે જાણી લો

નર્મદા મુખ્ય નહેર પર દહેગામ-નરોડા પરના બ્રિજ પરનો દહેગામથી નરોડા તરફ જતો એક તરફનો રોડ તમામ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

નરોડાથી દહેગામ તરફનો રોડ ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધિત રહેશે.

ડાયવર્ઝન રૂટ વિશે જાણી લો

A) ભારે વાહનો અને ST/AMTS બસો માટેનું ડાયવર્ઝન

* દહેગામથી નરોડા તરફ: દહેગામ નહેરૂનગર ચોકડી થઈ, મોટા ચિલોડાથી નેશનલ હાઈવે નંબર 8 (હિંમતનગર-અમદાવાદ), નાના ચિલોડાથી રિંગ રોડ થઈ નરોડા તરફ જઈ શકાશે.

* નરોડાથી દહેગામ તરફ: હંસપુરાથી રિંગ રોડ થઈ, નાના ચિલોડાથી નેશનલ હાઈવે નંબર 8 (હિંમતનગર-અમદાવાદ), મોટા ચિલોડા થઈ દહેગામ નહેરૂનગર ચોકડી તરફ જઈ શકાશે.

B) નાના વાહનો માટેનું ડાયવર્ઝન

* દહેગામથી નરોડા તરફ: દહેગામથી નરોડા તરફ જતા નાના વાહનો નર્મદા યોજના મુખ્ય નહેરની ચેઈનેજ 220.269 કિ.મી. આઈ.પી. બાજુના રોડથી ચેઈનેજ 218.032 કિ.મી. બ્રિજ પર થઈ એસ.આર. બાજુના રોડથી એસ.આર. બાજુના રોડથી હંસપુરા તરફ જઈ શકશે.

* નરોડાથી દહેગામ તરફ: નરોડાથી દહેગામ તરફ જતા નાના વાહનો નર્મદા યોજના મુખ્ય નહેરની ચેઈનેજ 220.269 કિ.મી. બ્રિજ પરથી દહેગામ તરફ જઈ શકશે.

કાર્યપાલક ઈજનેર, નર્મદા યોજના મુખ્ય નહેર વિભાગ નં. 2 દ્વારા ડાયવર્ઝન રૂટ પર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં 4 ફૂટ x 6 ફૂટના સાઈનબોર્ડ લગાવવાની અને બેરિકેડિંગની વ્યવસ્થા કરવાની રહેશે. આ કામગીરી દરમિયાન કોઈ અકસ્માત ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ અધિક્ષકશ્રી, ગાંધીનગર દ્વારા જરૂરી પોલીસ સ્ટાફ તૈનાત રાખી ટ્રાફિક નિયમન અને માર્ગદર્શન કરવાનું રહેશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!