ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ ભારત સાથેના તેમના સંબંધોને ખૂબ ઊંડા ગણાવ્યા.

નવી દિલ્હી,ગુરૂવાર: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ગુરુવારે ઇઝરાયલમાં ભારતના રાજદૂત જે પી સિંહને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા, ખાસ કરીને સુરક્ષા અને આર્થિક ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાત જેરુસલેમમાં વડા પ્રધાન કાર્યાલયમાં યોજાઈ હતી. આ દરમિયાન નેતન્યાહૂએ ભારતની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
ઇઝરાયલના જેરુસલેમમાં ભારતીય રાજદૂત જે પી સિંહને મળ્યા બાદ તેમણે કહ્યું, “હું ટૂંક સમયમાં ભારત આવવા માંગુ છું.” નેતન્યાહૂએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે ભારતના વ્યૂહાત્મક વલણને મજબૂત સમર્થન આપ્યું. આ સાથે, તેમણે કહ્યું કે વોશિંગ્ટન ડીસીમાં એક મૂળભૂત સમજ છે કે ભારત એક મજબૂત ભાગીદાર છે.
ભારત સાથે ગાઢ સંબંધો – નેતન્યાહૂ
ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ ભારત સાથેના તેમના સંબંધોને ખૂબ ઊંડા ગણાવ્યા. તેમણે કહ્યું કે હું ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેવાનું વિચારી રહ્યો છું. તેમણે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે, તેમણે આ સમગ્ર મામલાને ટૂંક સમયમાં ઉકેલવા પર ભાર મૂક્યો.
તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા બે મહાન મિત્રો છે. બંને દેશો વચ્ચે એટલી ઊંડી મિત્રતા છે કે કોઈપણ સમસ્યા સરળતાથી ઉકેલી શકાય છે. આ મુલાકાત અંગે, ઇઝરાયલી પીએમના સોશિયલ મીડિયા પર લખવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી અને ભારતીય રાજદૂતે દ્વિપક્ષીય સહયોગના વિસ્તરણ, ખાસ કરીને સુરક્ષા અને આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
નેતન્યાહૂ સમગ્ર ગાઝા પર કબજો કરવા માંગે છે
ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન ગાઝાને સંપૂર્ણપણે કબજે કરવાનો પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે અમે સમગ્ર ગાઝા પર અમારું નિયંત્રણ ઇચ્છીએ છીએ. કારણ કે અમે ગાઝાને હમાસના આતંકથી મુક્ત કરવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ગાંજા એક એવા નાગરિક વહીવટને સોંપવામાં આવે, જે ન તો હમાસ હોય કે ન તો ઇઝરાયલના વિનાશની હિમાયત કરનાર કોઈ હોય.











