ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ ભાજપના સાંસદ નિશિકાંત દુબે, મનોજ તિવારી અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે

નવી દિલ્હી,શુક્રવાર: 2 ઓગસ્ટના રોજ દેવઘરમાં બાબા વૈદ્યનાથ મંદિરના ગર્ભગૃહમાં બળજબરીથી પ્રવેશ કરવા અને ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ ભાજપના સાંસદ નિશિકાંત દુબે, મનોજ તિવારી અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. ઝારખંડ પોલીસે આ અંગે માહિતી આપી છે.
મંદિરના પૂજારી કાર્તિક નાથ ઠાકુરની ફરિયાદ પર ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆર અનુસાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને પવિત્ર શ્રાવણ મહિનામાં વીઆઈપી અથવા વીવીઆઈપી પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, ભાજપના બંને સાંસદોએ 2 ઓગસ્ટના રોજ રાત્રે 8:45 થી 9 વાગ્યાની વચ્ચે મંદિરના ગર્ભગૃહમાં બળજબરીથી પ્રવેશ કર્યો હોવાનો આરોપ છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, નિશિકાંત દુબે, મનોજ તિવારી, કાંશિકાંત દુબે, શેષાદ્રી દુબે અને અન્ય લોકો સામે બાબા વૈદ્યનાથ મંદિર પોલીસ સ્ટેશનમાં મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવા, ધાર્મિક પરંપરા અને ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને સુરક્ષા કારણોસર તૈનાત પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરીને સરકારી કામમાં અવરોધ ઉભો કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે.











