પતિ પત્નીનો માલિક નથી – દહેજ માટે પત્નીને જીવતી સળગાવનાર આરોપીની આજીવન કેદ યથાવત રાખી સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી. જાણો મહિલા સુરક્ષા અને પિતૃસત્તાક માનસિકતા પર સુપ્રીમ કોર્ટનો આ ઐતિહાસિક ચુકાદો.

નવી દિલ્હી, બુધવાર
દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે મહિલાઓના હક અને સન્માનને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કોઈ પણ પુરુષ પોતાની પત્નીનો માલિક નથી. વર્ષ 2011માં રાજસ્થાનના એક કેસમાં દહેજ માટે પત્નીને જીવતી સળગાવી દેનાર એક ક્રૂર પતિની આજીવન કેદની સજા સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે. આ ચુકાદા સાથે કોર્ટે સમાજને એક મોટો અરીસો બતાવ્યો છે.
પિતૃસત્તાક માનસિકતા એ સમાજની બીમારી
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે આ કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું કે ભારતીય સમાજમાં હજુ પણ પિતૃસત્તાક (પુરુષ પ્રધાન) માનસિકતાના મૂળિયાં ખૂબ ઊંડા છે. મહિલાઓના શરીર, તેમની પસંદગી અને તેમના જીવન પર નિયંત્રણ રાખવાની પુરુષોની આ વિચારધારાને કોર્ટે સીધા શબ્દોમાં ‘સમાજની બીમારી’ ગણાવી છે. આ ઘટના સાબિત કરે છે કે દેશમાં ઘરેલું હિંસા અને દહેજ પ્રથા હજુ પણ કેટલા ભયાનક સ્તરે અસ્તિત્વ ધરાવે છે.
કાયદાઓ બન્યા પણ હજુ બંધારણીય અધિકારો ‘દૂરની કોડી’
આપણા દેશમાં દહેજ પ્રતિબંધક કાયદો 1961, ઘરેલું હિંસા રોકવા માટેના કાયદા અને કાર્યસ્થળ પર જાતીય સતામણી અટકાવવા જેવા અનેક કાયદાઓ બન્યા છે. એટલું જ નહીં, ત્રણ તલાક નાબૂદી, વ્યભિચાર કાયદો રદ કરવો અને સંપત્તિમાં દીકરીઓને સમાન હક આપવા જેવા ઐતિહાસિક નિર્ણયો પણ લેવાયા છે. છતાં પણ સુપ્રીમ કોર્ટનું માનવું છે કે જમીની હકીકત બદલવામાં આ તમામ પ્રયાસો હજુ પણ અપૂરતા સાબિત થયા છે. બંધારણમાં મળેલા સમાનતા અને સ્વતંત્રતાના અધિકારો આજે પણ લાખો મહિલાઓ માટે માત્ર એક ‘દૂરની કોડી’ એટલે કે સપના સમાન છે.
ચોંકાવનારા આંકડા
સુપ્રીમ કોર્ટે કેટલીક ચોંકાવનારી આંકડાકીય માહિતી રજૂ કરીને ચિંતા વ્યક્ત કરી છે, જેને કોર્ટે ‘Sobering Picture’ (વિચારવા મજબૂર કરી દે તેવું ચિત્ર) ગણાવ્યું છે. વર્ષ 2023 માં દેશભરમાં મહિલાઓ વિરુદ્ધ 4.48 લાખ કરતા વધુ ગુનાઓ નોંધાયા હતા. દહેજના લોભમાં દર વર્ષે 6000 થી વધુ મહિલાઓનો જીવ લેવામાં આવે છે. પોલીસ ચોપડે આજે પણ મહિલાઓ દ્વારા નોંધાવવામાં આવતી ફરિયાદોમાં ઘરેલું હિંસાના કેસ સૌથી વધારે જોવા મળે છે. શિક્ષણ વધ્યું પણ ઘરમાં મહિલાઓની સ્થિતિ એ જ રહી સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું કે, સાક્ષરતા અને આર્થિક વિકાસ વધવા છતાં, ખાસ કરીને ગામડાં અને નાના શહેરોમાં આજે પણ ઘરના મુખ્ય નિર્ણયો પુરુષો જ લે છે. કામકાજી મહિલાઓએ નોકરીની સાથે સાથે ઘરની જવાબદારીઓનો પણ સૌથી મોટો બોજ ઉઠાવવો પડે છે. મહિલાઓની સ્વતંત્રતા આજે પણ શરતો અને મર્યાદાઓ સાથે જોડાયેલી છે.
ઉકેલ કાયદામાં નહીં, આપણા હાથમાં
મહિલાઓ પર થતા અત્યાચારોને માત્ર છૂટીછવાઈ ઘટનાઓ ન ગણવી જોઈએ. આખરે સુપ્રીમ કોર્ટે એક સણસણતો સવાલ પૂછ્યો કે આટલા દાયકાઓના કાયદાઓ અને સુધારાઓ પછી પણ મહિલાઓ પર નિયંત્રણ રાખવાની માનસિકતા કેમ જતી નથી?
કોર્ટે પોતે જ તેનો જવાબ આપતા કહ્યું કે, આ સમસ્યાનો ઉકેલ માત્ર કોર્ટ કે કાયદામાં નથી. તેનો ઉકેલ ‘અમે ભારતના લોકો’ પાસે જ છે. જ્યા સુધી સમાજ પોતાની વિચારધારા અને વર્તનમાં મૂળભૂત ફેરફાર નહીં કરે, ત્યાં સુધી મહિલાઓને વાસ્તવિક સમાનતા અપાવવી એક મોટો પડકાર બની રહેશે.











