દહેગામ રબારી સમાજમાં શિક્ષણની નવી સવાર: નિવૃત IPS ઓફિસરના 25 લાખ અને પત્રકારના દાનથી યુવાનો બનશે અધિકારી!

દહેગામ રબારી સમાજના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઐતિહાસિક પહેલ. નિવૃત IPS વી.વી. રબારી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે 25 લાખ રૂપિયાનું દાન અને પત્રકાર અમૃતભાઈ દેસાઈ દ્વારા મફત હોલની વ્યવસ્થા. જાણો સંપૂર્ણ વિગત.

દહેગામ, સોમવાર
દહેગામ તાલુકાના રબારી સમાજે શિક્ષણ ક્ષેત્રે એક નવી ક્રાંતિની શરૂઆત કરી છે. સમાજના યુવાનોને સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળે તે માટે “દહેગામ તાલુકા રબારી સમાજ શિક્ષણ સમિતિ” દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સમાજને શિક્ષિત, સંગઠિત અને સમૃદ્ધ બનાવવાનો છે. સમાજના યુવાનો, વડીલો અને દાતાઓના સહિયારા પ્રયાસથી હવે દહેગામમાં જ આધુનિક કોચિંગ ક્લાસનો શુભારંભ થવા જઈ રહ્યો છે.

દાનવીરો આગળ આવ્યા, યુવાનોની ચિંતા દૂર થઈ
આ ઉમદા કાર્યને સફળ બનાવવા માટે સમાજના બે મોટા દાનવીરોએ આગળ આવીને યુવાનોના ભવિષ્યની ચિંતા દૂર કરી છે. નિવૃત IPS વી.વી. રબારી: સમાજના ગૌરવ એવા નિવૃત IPS અધિકારી વી.વી. રબારીએ કોચિંગ ક્લાસના એક વર્ષના સમગ્ર સંચાલન માટે 25 લાખ રૂપિયાનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. તેમના આ યોગદાનથી ક્લાસ ચલાવવા માટેની આર્થિક સમસ્યા દૂર થઈ છે.

પત્રકાર અમૃતભાઈ દેસાઈ: દહેગામના પત્રકાર અમૃતભાઈ દેસાઈ મૂળ ગામ દલાની મુવાડી એ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉત્તમ જગ્યા મળી રહે તે માટે પોતાનો 6000 સ્ક્વેર ફીટનો વિશાળ હોલ એક વર્ષ માટે વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી છે.

આવી રીતે ઘડાઈ સમગ્ર યોજના
આ શૈક્ષણિક યજ્ઞની શરૂઆત ઝાક સ્થિત વડવાળા રામજી મંદિરથી થઈ હતી. ગત 3 નવેમ્બર, 2025 ના રોજ પરમ પૂજ્ય મહંત 1008 ગણેશદાસ બાપુના સાનિધ્યમાં યુવાનોએ આ વિચાર રજૂ કર્યો હતો, જેને ગુરુજીએ હર્ષભેર વધાવી લઈને સંપૂર્ણ સાથ-સહકાર અને આશીર્વાદ આપ્યા હતા.

ત્યારબાદ, નિવૃત IPS વી.વી.રબારીના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન થયું. આ બેઠકનું અધ્યક્ષપદ તેમણે પોતે સંભાળ્યું હતું અને સમાજના ડેપ્યુટી કલેક્ટરનું માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમનું સંચાલન લાભુભાઈ ભૂતેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં શિક્ષકોની ટીમે ગામડાઓમાં કરેલા પ્રવાસના આધારે મળેલા પ્રતિભાવો રજૂ કર્યા હતા અને ત્યારબાદ કોચિંગ ક્લાસના વાર્ષિક ખર્ચનો અંદાજ રજૂ કરાયો હતો, જે વી.વી. રબારી સાહેબે તરત જ ઉઠાવી લેવાની જાહેરાત કરી હતી.

આ બેઠકમાં પૂજ્ય ગણેશદાસ બાપુએ પણ હાજરી આપીને જણાવ્યું કે, “સંસ્કૃતિની સાથે શિક્ષણ એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.” તેમણે બંને દાતાઓનો આભાર માનીને આ કાર્યને સમાજ માટે પ્રેરણાદાયક ગણાવ્યું હતું. આ પહેલ દહેગામ રબારી સમાજના યુવાનો માટે સરકારી સેવામાં જોડાવાના દરવાજા ખોલશે અને સમાજના શૈક્ષણિક વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!