પોલીસે અંદર પ્રવેશતા જ રોહિતે એરગન તાનતા, પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું. પોલીસની ગોળી વાગતા રોહિત આર્યનું ઘટનાસ્થળે જ મોત થયું હતું

મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલ આર.એ. સ્ટુડિયોમાં ગુરુવારે બપોરે એક ભયાનક ઘટના સામે આવી હતી, જ્યાં ઓડિશન માટે આવેલા ૧૭ બાળકો સહિત ૧૯ લોકોને રોહિત આર્ય નામના શખ્સે બંધક બનાવી લીધા હતા. બાળકોએ કાચમાંથી મદદ માટે બૂમો પાડતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.પોલીસે તેને ઝડપ્યો હતો પણ પોલીસ પર તેણે હુમલો કરી દીધો હતો જેની જવાબી કાર્યવાહીમાં પોલીસ એન્કાઉન્ટરમાં તેનું મોત નિપજ્યું હતું
આરોપી રોહિત આર્ય તેની એક સરકારી પ્રોજેક્ટની ૨ કરોડ રૂપિયાની બાકી રકમ ન મળવાને કારણે નારાજ હતો. તેણે પોલીસ અધિકારીઓને ધમકી આપી હતી કે જો તેની માંગણીઓ નહીં સંતોષાય તો તે બાળકોને જીવતા સળગાવી દેશે.
લગભગ બે કલાક સુધી ચાલેલા સમજાવટના પ્રયાસો નિષ્ફળ થતાં, પોલીસે ઓપરેશન શરૂ કર્યું. ફાયર બ્રિગેડની મદદથી બાથરૂમની બારી તોડીને પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અંદર પ્રવેશી. પોલીસે અંદર પ્રવેશતા જ રોહિતે એરગન તાનતા, પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું. પોલીસની ગોળી વાગતા રોહિત આર્યનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ ઓપરેશન માત્ર ૧૦ મિનિટમાં સમાપ્ત થયું અને તમામ ૧૭ બાળકો સહિત ૧૯ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે રોહિત આર્ય પાસેથી એરગન અને કેટલાક કેમિકલ પદાર્થો જપ્ત કર્યા છે અને આ એનકાઉન્ટરની તપાસના આદેશ આપ્યા છે.











