Indians leaving UK: વર્ષ 2025માં બ્રિટનની કડક વિઝા નીતિને કારણે 75,000 ભારતીયોએ UK છોડ્યું છે. જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. જાણો બ્રિટનમાં ભારતીયોના આ નવા ટ્રેન્ડ પાછળનું મોટું કારણ.

અમદાવાદ, શુક્રવાર
Indians leaving UK: વિદેશ જવાનું સપનું જોતા ભારતીયો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા પછી હવે બ્રિટન (UK) માંથી પણ ભારતીયોનો મોહ ઓછો થઈ રહ્યો છે. તાજેતરના 2025 ના આંકડાઓ દર્શાવે છે કે બ્રિટનમાં વસતા વિદેશીઓમાં એક મોટો ઉલટો (રિવર્સ) ટ્રેન્ડ શરૂ થયો છે. નવાઈની વાત એ છે કે માત્ર એક જ વર્ષના સમયગાળામાં 75,000 થી વધુ ભારતીયોએ બ્રિટનને કાયમ માટે અલવિદા કહી દીધું છે.
2025ના આંકડા: 1.70 લાખ વિદેશીઓએ બ્રિટન છોડ્યું
બ્રિટનના ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ નવા સત્તાવાર આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ સરકારી રિપોર્ટ મુજબ, વર્ષ 2025 દરમિયાન કુલ 1,70,000 વિદેશી નાગરિકોએ યુકે છોડીને સ્વદેશ અથવા અન્ય દેશમાં જવાનો નિર્ણય લીધો છે. આ લિસ્ટમાં ભારતીયો સૌથી ટોચ પર છે. બ્રિટન છોડનારા 75,000 ભારતીયોના ડેટા પર નજર કરીએ તો 51,000 ભારતીય વિદ્યાર્થીઓ, જેઓ સ્ટુડન્ટ વિઝા પર યુકે ગયા હતા, તેમણે બ્રિટન છોડી દીધું છે. 21,000 ભારતીયો એવા છે જેઓ રોજગાર એટલે કે વર્ક વિઝા પર ગયા હતા, પરંતુ હવે ત્યાંથી પરત ફરી ગયા છે. અન્ય 3,000 લોકો જુદા જુદા અંગત કારણોસર બ્રિટન છોડી ચૂક્યા છે. બ્રિટન છોડવાની આ યાદીમાં ભારત (75,000) બાદ બીજા નંબરે ચીન છે, જેના 46,000 નાગરિકોએ યુકે છોડ્યું છે. જ્યારે પાકિસ્તાન અને નાઈજીરિયા બંને 19,000 નાગરિકો સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે.
શા માટે ભારતીયો બ્રિટન છોડી રહ્યા છે?
સરકારી આંકડાઓમાં એક ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે, કામકાજ આધારિત (Work Visa) બ્રિટન આવતા ભારતીયોની સંખ્યામાં 47 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. આની પાછળનું મુખ્ય કારણ બ્રિટનની કડક વિઝા નીતિ છે. વર્ષ 2021 માં કોરોના મહામારી બાદ બ્રિટને વિઝાના નિયમો ખૂબ જ કડક બનાવી દીધા હતા. ત્યારપછી દેશમાં સતત વડાપ્રધાનો બદલાતા ગયા અને રાજકીય અસ્થિરતા વચ્ચે વિઝા પોલિસીમાં પણ વારંવાર ફેરફાર થતા રહ્યા. આ આકરા નિયમોની સીધી નકારાત્મક અસર ભારતીય વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ પર પડી છે.
જોકે, બ્રિટનની વર્તમાન લેબર પાર્ટીની સરકારના ગૃહમંત્રી શબાના મહેમૂદે આ મુદ્દે બચાવ કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે, આ આંકડાઓ અગાઉની કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારના સમયની નીતિઓનું પરિણામ છે. ઉલ્લેખનીય છે કે કન્ઝર્વેટિવ સરકારના કાર્યકાળ વખતે તો 9.44 લાખ વિદેશીઓએ બ્રિટન છોડ્યું હતું, જેની સરખામણીમાં હાલનો આંકડો ઘણો ઓછો છે.
આ સેક્ટરમાં હજુ પણ ભારતીયોનો જ દબદબો
આકરી વિઝા નીતિઓ વચ્ચે પણ એક સારી વાત એ છે કે, કેટલીક ખાસ કેટેગરીમાં બ્રિટન સરકાર સામે ચાલીને ભારતીયોને આકર્ષી રહી છે. ખાસ કરીને સ્કીલ્ડ વર્કર્સ (Skilled Workers) અને હેલ્થકેર સેક્ટરમાં ભારતીયોની ભારે માંગ છે.
હેલ્થકેર અને સ્કીલ્ડ વર્કર કેટેગરી હેઠળ બ્રિટને એક જ વર્ષમાં 1.07 લાખ ભારતીયોને વિઝા આપ્યા છે (જ્યારે નાઈજીરિયા 86,000 સાથે બીજા ક્રમે છે). સ્કીલ્ડ બેઝ્ડ વિઝા મેળવવામાં ભારતીયો આખી દુનિયામાં નંબર વન છે. બ્રિટને 89,851 ભારતીયોને આ વિઝા આપ્યા છે (પાકિસ્તાન 16,607 સાથે બીજા ક્રમે છે). ગ્રેજ્યુએશન આધારિત વિઝામાં પણ 70,000 ભારતીયોનો સમાવેશ થાય છે.
સરકારી આંકડાઓ સ્પષ્ટ કરે છે કે માત્ર ભણવાના બહાને કે સામાન્ય કામકાજ માટે બ્રિટન જવું હવે આસાન નથી રહ્યું. પરંતુ જો તમારી પાસે કોઈ વિશેષ આવડત (Skill) છે અથવા તમે મેડિકલ/હેલ્થકેર સેક્ટર સાથે જોડાયેલા છો, તો બ્રિટનના દરવાજા આજે પણ ભારતીયો માટે ખુલ્લા છે. ગ્રાન્ટેડ સ્પોન્સર્ડ વિઝા મેળવવાની બાબતમાં પણ ભારતીયો આજે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ છે.











