Ahmedabad plane crash: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયાને 1 વર્ષ વીતી ગયું છે. 260 લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટનાનો રિપોર્ટ હજુ કેમ નથી આવ્યો? જાણો તપાસની લેટેસ્ટ વિગતો.
અમદાવાદ, શુક્રવાર
Ahmedabad plane crash: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન અકસ્માતને આજે પૂરા 1 વર્ષનો સમય થઈ ગયો છે. 12 જૂન 2025 ના રોજ થયેલી આ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પીડિત પરિવારો હજુ પણ એ સવાલનો જવાબ શોધી રહ્યા છે કે આખરે એ ગોઝારા દિવસે ખરેખર શું થયું હતું. કમનસીબે તપાસનો અંતિમ રિપોર્ટ હજુ સુધી સામે આવ્યો નથી અને નવી માહિતી મુજબ આ રિપોર્ટ માટે હજુ વધુ 3 મહિનાની રાહ જોવી પડી શકે છે.

એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 અમદાવાદથી લંડન જવા માટે રવાના થઈ હતી. આ વિમાન અમેરિકન કંપની બોઇંગનું 787-8 ડ્રીમલાઇનર હતું. ઉડાન ભર્યાની ગણતરીની સેકન્ડોમાં જ તે ક્રેશ થઈ ગયું. અકસ્માત બાદ તરત જ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે 12 મહિનામાં અંતિમ તપાસ રિપોર્ટ રજૂ કરવાનો હોય છે પણ હજુ સુધી કોઈ સત્તાવાર નિષ્કર્ષ આવ્યો નથી.

અત્યારે વિમાનના બંને એન્જિનોને અત્યાધુનિક ટેકનિકલ ચકાસણી માટે અમેરિકા મોકલવામાં આવ્યા છે. ત્યાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, બોઇંગ અને જીઇ એરોસ્પેસ જેવી સંસ્થાઓ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. અમેરિકાના વિશેષ સાધનોથી ચકાસણી ચાલી રહી છે પરંતુ ભારતીય ઓથોરિટીને હજુ સુધી ત્યાંથી કોઈ નક્કર રિપોર્ટ મળ્યો નથી.

આ પહેલા જે પ્રાથમિક તપાસ સામે આવી હતી તેમાં એવો દાવો કરાયો હતો કે બંને એન્જિનમાં અચાનક ઇંધણ પહોંચતું બંધ થઈ ગયું હતું. આ વાતથી આડકતરી રીતે પાયલટ પર શંકાની સોય તાકવામાં આવી હતી. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સ આ બાબતે સખત વિરોધ નોંધાવી રહ્યું છે.

સંગઠનના અધ્યક્ષ કેપ્ટન સી. એસ. રંધાવાએ સ્પષ્ટ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય મીડિયા એવું ચિત્ર ઊભું કરી રહ્યું છે જાણે પાયલટે જ એન્જિન બંધ કરી દીધા હોય. તેમની માંગ છે કે માત્ર ફ્યુઅલ સ્વિચ પૂરતી તપાસ ન થવી જોઈએ. વિમાનની ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર સિસ્ટમ પણ ઊંડાણપૂર્વક ચેક થવી જોઈએ. અગાઉ પણ બોઇંગ 787 વિમાનોમાં લિથિયમ બેટરી અને આગ લાગવા જેવા પ્રશ્નો સામે આવી ચૂક્યા છે. પાયલટ સંગઠનની સીધી માંગ છે કે કોઈ નક્કર પુરાવા વિના પાયલટો પર દોષનો ટોપલો ન ઢોળવામાં આવે.

હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું અમેરિકા આ મામલે નિષ્પક્ષ તપાસ કરશે. બોઇંગ એક અમેરિકન કંપની છે અને અત્યારે તપાસ પણ અમેરિકામાં જ થઈ રહી છે. જો અકસ્માતમાં બોઇંગની કોઈ ટેકનિકલ ખામી નીકળી તો અમેરિકન કંપનીની આંતરરાષ્ટ્રીય છબી ખરડાઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં શંકા છે કે અમેરિકા કદાચ પોતાની કંપનીને બચાવવાનો પ્રયાસ કરે અને પીડિતોને સાચો ન્યાય ન પણ મળે.











