અમદાવાદમાં સાયબર ઠગોએ શેઠનો મોબાઈલ હેક કરી એકાઉન્ટન્ટને વોટ્સએપ પર એક APK ફાઈલ મોકલી 10.70 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી. જાણો આ નવા ઓનલાઈન કૌભાંડ વિશે.

અમદાવાદ, બુધવાર
આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ રોકેટ ગતિએ વધી રહ્યા છે. અમદાવાદમાં ઓનલાઈન છેતરપિંડીનો એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે જાણીને તમે પણ અજાણી લિંક કે ફાઈલ ખોલતા પહેલા સો વાર વિચારશો. માત્ર એક નાનકડી ભૂલના કારણે એક સામાન્ય માણસે 10.70 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ કિસ્સામાં ઠગોએ સીધો શિકાર કરવાને બદલે કંપનીના માલિકનો મોબાઈલ હેક કરી તેમના જ કર્મચારીને નિશાન બનાવ્યો હતો.
કેવી રીતે ગોઠવાઈ છેતરપિંડીની જાળ?
પ્રાપ્ત માહિતી અનુસાર, નિકોલ વિસ્તારમાં રહેતા 50 વર્ષીય વિપુલ પટેલ વટવા GIDC માં આવેલી એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. 19 ફેબ્રુઆરીના રોજ તેઓ નોકરી પર હતા, ત્યારે તેમના શેઠ જયંતિભાઈ પટેલના વોટ્સએપ નંબર પરથી એક મેસેજ આવ્યો. આ મેસેજમાં RTO E challan.apk નામની એક ફાઈલ હતી. મેસેજ પોતાના શેઠના નંબર પરથી જ આવ્યો હોવાથી વિપુલભાઈને કોઈ શંકા ન ગઈ અને તેમણે RTO નો કોઈ મેમો હશે એમ વિચારીને તે ફાઈલ ડાઉનલોડ કરી લીધી.
ફાઈલ ડિલીટ કરી છતાં થઈ ગઈ ગેમ!
જેવી વિપુલભાઈએ આ APK ફાઈલ ઓપન કરી, તેમાં તરત જ તેમનું નામ અને તેમની માતાનું નામ જેવી ખાનગી વિગતો માંગવામાં આવી. આવું થતાં જ તેમને કંઈક ગરબડ હોવાની શંકા ગઈ અને તેમણે તાત્કાલિક એ ફાઈલ મોબાઈલમાંથી ડિલીટ કરી નાખી. પરંતુ, ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. ઠગોએ માત્ર ફાઈલ ડાઉનલોડ થતાની સાથે જ તેમના મોબાઈલનો રિમોટ એક્સેસ (સંપૂર્ણ કંટ્રોલ) મેળવી લીધો હતો. આ કંટ્રોલની મદદથી હેકર્સે તેમના મોબાઈલમાંથી ઇન્ટરનેટ બેન્કિંગના આઈડી અને પાસવર્ડ ચોરી લીધા હતા.
ખાતામાંથી 10.70 લાખ રૂપિયા ગાયબ
બીજા દિવસે એટલે કે 20 ફેબ્રુઆરીએ જ્યારે વિપુલભાઈ નોકરીએથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમના મોબાઈલ પર બેન્કમાંથી પૈસા કપાવાના મેસેજ આવવા લાગ્યા. ખાતાની તપાસ કરતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સાયબર ઠગોએ તેમના ખાતા પર 5.31 લાખ રૂપિયાની ઈન્સ્ટા જમ્બો લોન અને 4.50 લાખ રૂપિયાની ઈન્સ્ટા લોન મંજૂર કરાવી લીધી હતી. આ લોનની રકમ અને ખાતામાં પડેલી બચત એમ કુલ મળીને 10.70 લાખ રૂપિયા અલગ-અલગ બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા.
પોલીસ ફરિયાદ અને તપાસ શરૂ
પોતાની સાથે આટલો મોટો સાયબર ફ્રોડ થયો હોવાનું જાણવા મળતા જ વિપુલભાઈએ તરત જ સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરીને જાણ કરી હતી. ત્યારબાદ તેમણે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જઈને આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગઠિયાઓને પકડવા માટે તપાસ ચલાવી રહી છે.
સાયબર નિષ્ણાતો અને પોલીસ વારંવાર ચેતવણી આપે છે કે કોઈપણ અજાણ્યા નંબર પરથી તો ઠીક, પરંતુ જો કોઈ જાણીતી વ્યક્તિ, મિત્ર કે સગા-સંબંધીના નંબર પરથી પણ કોઈ .apk ફાઈલ આવે, તો તેને ક્યારેય ડાઉનલોડ ન કરવી. હેકર્સ અન્ય લોકોના વોટ્સએપ હેક કરીને આવા મેસેજ મોકલતા હોય છે. આવી એક ફાઈલ તમારા આખા મોબાઈલનો કંટ્રોલ હેકર્સના હાથમાં આપી શકે છે અને બેન્ક ખાતું ખાલી કરી શકે છે. સતર્ક રહો અને આવી શંકાસ્પદ ફાઈલોથી દૂર રહો.











