અમદાવાદની શાળાઓમાં માત્ર કાગળ પર પ્રવેશ મેળવી ગેરહાજર રહેતા ‘ડમી’ વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ કડક વલણ અપનાવી તમામ શાળાઓમાં ઓચિંતી તપાસના આદેશ આપ્યા છે

અમદાવાદ: અમદાવાદ શહેરની શાળાઓમાં માત્ર કાગળ પર જ પ્રવેશ મેળવીને વર્ગખંડથી દૂર રહેતા ‘ડમી’ વિદ્યાર્થીઓના દૂષણને રોકવા માટે શિક્ષણ વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને એવી ગંભીર ફરિયાદો મળી હતી કે શહેરની કેટલીક શાળાઓ માત્ર કાગળ પર જ વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવીને ચાલી રહી છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ તમામ શિક્ષણ નિરીક્ષકો અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકોને શહેરની તમામ શાળાઓમાં ઓચિંતી તપાસ (સરપ્રાઈઝ ચેકિંગ) કરવા માટે તાકીદ કરી છે. આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત શાળાઓમાં વિદ્યાર્થીઓની પ્રત્યક્ષ હાજરીની સઘન ચકાસણી કરવામાં આવશે અને તેના આધારે આગળની કાર્યવાહી નક્કી થશે.
પ્રત્યક્ષ સ્થિતિનું આકલન
તપાસ દરમિયાન માત્ર કાગળ પરના આંકડાઓથી સંતોષ માનવામાં નહીં આવે, પરંતુ પ્રત્યક્ષ સ્થિતિનું આકલન કરવામાં આવશે. તમામ નિરીક્ષકોને આદેશ કરાયો છે કે તેઓ જે-તે શાળાની મુલાકાત લઈને જનરલ રજિસ્ટર, દૈનિક હાજરી પત્રક, વર્ગખંડમાં પ્રત્યક્ષ બેઠેલા વિદ્યાર્થીઓની સંખ્યા અને મૂળ પ્રવેશ નોંધણીના આંકડાઓની સામસામે ચકાસણી કરે. આ આંકડાઓમાં જો કોઈ વિસંગતતા જણાશે તો તેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ તૈયાર કરીને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને સુપરત કરવાનો રહેશે. ખાસ કરીને બોર્ડની પરીક્ષાઓ કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓના નામે માત્ર નામ પૂરતો પ્રવેશ મેળવી અન્યત્ર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કિસ્સાઓને રોકવા આ પગલું મહત્વનું સાબિત થશે.
હાજરી પત્રક અને વાસ્તવિક સંખ્યાની ચકાસણી
આ સમગ્ર કડક ઝુંબેશ અંગે માહિતી આપતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ શૈક્ષણિક સત્રની શરૂઆતમાં અને સમયાંતરે શિક્ષણ નિરીક્ષકો દ્વારા નિયમિત ચકાસણી થતી જ હોય છે. પરંતુ આ વર્ષે શાળાઓમાં વિદ્યાર્થીઓની શૂન્ય અથવા નહિવત હાજરી હોવા છતાં પણ શાળાઓ ધમધમતી હોવાની ફરિયાદો મળી છે. આથી, આવી શંકાસ્પદ શાળાઓની વાસ્તવિકતા તપાસવા આદેશો અપાયા છે. જો તપાસ દરમિયાન કોઈ શાળામાં પૂરતી હાજરી નહીં જણાય તો તેને ‘ડમી સ્કૂલ’ ગણીને તેની સામે કાયદાકીય રીતે કડક હાથે કામ લેવામાં આવશે. આ સાથે જ તમામ શાળાઓને પણ સૂચના અપાઈ છે કે કોઈ વિદ્યાર્થી સતત ગેરહાજર રહે તો તાત્કાલિક તેના વાલીનો સંપર્ક કરવો અને શૈક્ષણિક સ્તરે ડમી પ્રથાનું દૂષણ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.











