અમદાવાદ-લંડન પ્લેન ક્રેશ: પૂર્વ CM વિજય રૂપાણીની કમલમ ખાતે શોકસભા

આ શોકસભામાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “મારો વિજય રૂપાણી સાથે જૂનો પરિચય છે. અમે RSS અને ABVPમાં સાથે કામ કર્યું છે.

ગાંધીનગર, શુક્રવાર
અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થતાં રાજ્યના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 12 જૂનના રોજ થયેલા આ ભયાનક પ્લેન ક્રેશમાં 242 મુસાફરોમાંથી માત્ર એક જ યાત્રી જીવિત બચ્યા હતા, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આજે, 20 જૂન, 2025 ના રોજ, ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે દિવંગતો અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે એક પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજસ્થાન CM ભજનલાલ શર્માએ વ્યક્ત કર્યો શોક
આ શોકસભામાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “મારો વિજય રૂપાણી સાથે જૂનો પરિચય છે. અમે RSS અને ABVPમાં સાથે કામ કર્યું છે. વિજયભાઈએ આ સંગઠનોમાં ઘણું કામ કર્યું હતું. તેમની ગેરહાજરી શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. આવા વ્યક્તિત્વને ગુમાવવું એ આપણા સૌ માટે મોટું નુકસાન છે અને આપણે બધાએ તેમના જીવનમાંથી શીખવું જોઈએ.”

જે.પી. નડ્ડા: “આ હૃદય બેસી જાય તેવી ઘટના”
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ આ પ્રાર્થનાસભામાં હાજર રહ્યા હતા. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, “આપણે લોકોએ ક્યારેય આવી કલ્પના પણ નહીં કરી હોય કે જીવનમાં આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડશે. આ ખરેખર હૃદય બેસી જાય તેવી ઘટના છે. દિલ અને મનને સમજાવવું મુશ્કેલ છે કે વિજયભાઈ આજે આપણી વચ્ચે નથી. વિજયભાઈએ અનેક જવાબદારીઓ નિભાવી હતી અને તેમની વિશેષ બાબત એ હતી કે તેમણે ક્યારેય પદને મહત્વ આપ્યું ન હતું.”

પ્લેન ક્રેશની કરુણ ઘટના
અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી આ દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું પ્લેન એરપોર્ટ પરથી ટેક-ઓફ કર્યાના ગણતરીના ક્ષણોમાં જ મેઘાણી નગરમાં આવેલા બોયઝ મેડિકલ હોસ્ટેલના મેસ પર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં હોસ્ટેલના 20 જેટલા વિદ્યાર્થીઓ પણ મોતને ભેટ્યા હતા. પ્લેનમાં સવાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના પરિવારને મળવા લંડન જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.

DNA મેચિંગ દ્વારા મૃતદેહોની ઓળખ
દુર્ઘટના બાદ મૃતદેહોની ઓળખ અને તેમના પરિવારજનોને સોંપવા માટે DNA મેચિંગની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 220 DNA મેચ કરવામાં આવ્યા છે અને 202 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. આ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોક અને આઘાતની લાગણી પ્રસરાવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!