અમદાવાદ: મણિનગરની સેવન્થ ડે સ્કૂલને NSUIએ માર્યા તાળા! વિદ્યાર્થી પર બ્લેડથી હુમલા બાદ વિરોધ વકર્યો

અમદાવાદના મણિનગરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર બ્લેડથી હુમલાની ઘટના બાદ NSUI એ મોડી રાત્રે સ્કૂલને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો છે. જાણો શું છે NSUI ની મુખ્ય માંગ અને સમગ્ર વિવાદ.

અમદાવાદ, શનિવાર
શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેવન્થ ડે સ્કૂલ (Seventh Day School) ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. સ્કૂલ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં સ્કૂલમાં બનેલી એક હિંસક ઘટના બાદ હવે રાજકીય વિદ્યાર્થી સંગઠન NSUI એ સ્કૂલ સંચાલકો સામે મોરચો માંડ્યો છે. ગત મોડી રાત્રે NSUI ના કાર્યકરોએ સ્કૂલ પર પહોંચીને તાળાબંધી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?
થોડા દિવસો પહેલા સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. વાત એટલી હદે વણસી ગઈ હતી કે 3 વિદ્યાર્થીઓએ ભેગા મળીને એક અન્ય વિદ્યાર્થી પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ હતી કે હુમલાખોર વિદ્યાર્થીઓએ બ્લેડ જેવી તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરી પીડિત વિદ્યાર્થીના શર્ટના બટન તોડી નાખ્યા હતા અને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને પીડિત પક્ષે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

NSUI એ મધરાતે કર્યો ખેલ
સ્કૂલ કેમ્પસમાં આવી ગંભીર ઘટનાઓ બનતી હોવા છતાં સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, તેવો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં NSUI ના નેતાઓ ચિરાગ દરજી અને વેદાંત તોમર તેમના કાર્યકરો સાથે ગત મોડી રાત્રે સ્કૂલ પર પહોંચ્યા હતા. તેમણે સ્કૂલના મુખ્ય ગેટ પર પોતાના તાળા મારીને તાળાબંધી કરી દીધી હતી. તેમનું કહેવું છે કે સ્કૂલમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે.

પ્રિન્સિપાલને હટાવવાની માંગ
NSUI ના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે આ લડત અહીં અટકવાની નથી. વેદાંત તોમરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “આ ઘટનામાં સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં સુધી સરકાર જવાબદાર પ્રિન્સિપાલ અને સ્ટાફને તેમના પદ પરથી દૂર નહીં કરે, ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું.”

આગળ શું થશે?
NSUI એ જાહેરાત કરી છે કે તેઓ હવેથી દરરોજ સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન કરશે. એટલું જ નહીં, રાત્રિના સમયે સ્કૂલને તાળાબંધી કરીને પણ તેઓ બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે અવાજ ઉઠાવતા રહેશે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!