આ નિર્ણય Air Indiaની ઓપરેશનલ એફિશિયન્સી સુધારવા અને પેસેન્જર્સને કોઈ મુશ્કેલી ન પડે તે માટે લેવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે આ પગલું મુસાફરોની સલામતી અને તેમની સંતોષ માટે આવશ્યક છે.

અમદાવાદ, શુક્રવાર
12 જૂનના રોજ અમદાવાદમાં લંડન જતી AI171 ફ્લાઇટના દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ Air Indiaએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીએ ઉત્તર અમેરિકા, યુરોપ, ઑસ્ટ્રેલિયા અને સુદૂર પૂર્વના શહેરોને જોડતા 20 આંતરરાષ્ટ્રીય રૂટ પર ચાલતી 38 સાપ્તાહિક ફ્લાઇટ્સની સંખ્યામાં 15% ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપની કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા નથી માગતી અને જણાવ્યું છે કે તેમના માટે માનવ જીવન અમૂલ્ય છે. આ તમામ ફ્લાઇટ્સ પરનો કાપ 21 જૂનથી 15 જુલાઈ સુધી લાગુ રહેશે.
કયા રૂટ્સ પર થઈ છે અસર?
દિલ્હી-નૈરોબી, અમૃતસર-લંડન ગેટવિક અને ગોવા મોપા-લંડન ગેટવિક રૂટની ફ્લાઇટ્સ અટકાવી દેવામાં આવી છે. જે પેસેન્જર્સે આ કપાત કરાયેલી ફ્લાઇટ્સમાં સીટ બુક કરાવી હતી, તેમનો સંપર્ક કરીને તેમને બીજા વિકલ્પો આપવામાં આવી રહ્યા છે. જો પેસેન્જર્સ ઈચ્છે તો તેમને રિફંડ પણ આપવામાં આવી રહ્યું છે.
ફ્લાઇટ્સ રદ કરવા પાછળના મુખ્ય કારણો
* બોઇંગ વિમાનોની સલામતી તપાસ:-
અમદાવાદમાં ક્રેશ થયેલું વિમાન બોઇંગ-787 ડ્રીમલાઇનર પ્લેન હતું. આ ઘટના બાદ, DGCA એ બોઇંગ-787 પ્લેનની તપાસનો આદેશ આપ્યો છે. Air Indiaએ ‘વાઈડ બોડી એરક્રાફ્ટ’ની ફ્લાઇટ્સમાં ઘટાડો કર્યો છે, કારણ કે આ વિમાનો કદમાં વિશાળ હોવાથી લાંબા અંતરની મુસાફરી માટે ઉપયોગમાં લેવાય છે. 26 પ્લેનનું ઇન્સ્પેક્શન થઈ ગયું છે, પરંતુ બાકીના પ્લેનની તપાસ જુલાઈ સુધીમાં પૂરી થશે. આથી Air Indiaએ બોઇંગ-787 ડ્રીમલાઇનર પ્લેનની ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.
* મુસાફરોની સુવિધાઓમાં સુધારો અને છબી સુધારવાઃ-
અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, લોકોનો Air Indiaની સેવાઓ પરથી વિશ્વાસ ઘટ્યો છે. પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સ પણ ડરી ગયા છે, અને લોકો હવે કંપનીની સેવાઓ લેતા ખચકાઈ રહ્યા છે. આનાથી કંપનીની છબી ખરડાઈ છે. એરલાઇનને તેની છબી, ફ્લાઇટ સેવા અને પેસેન્જર સુવિધાઓ સુધારવા માટે કેટલાક ચેન્જિસ કરવા પડશે. આ ચેન્જિસ માટે સમય ખરીદવા માટે, કંપનીએ તેની ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઘટાડી દીધી છે.











