ચોમાસામાં લાકડાના ફર્નિચરને ઉધઈથી થતા નુકસાનથી બચાવવા માટે શોધી રહ્યા છો સરળ ઉપાય? તો આ આર્ટીકલમાં જણાવેલા ઘરેલુ ઉપચારો અજમાવો અને તમારા ફર્નિચરને સુરક્ષિત રાખો.

અમદાવાદ, સોમવાર
વરસાદની સિઝન આમ તો ઘણી ખુશનુમા હોય છે, પણ સાથે જ કેટલીક મુશ્કેલીઓ પણ લઈને આવે છે. આમાંની એક મોટી સમસ્યા છે ઘરમાં ઉધઈનો ઉપદ્રવ. આ જીવડાં ચુપચાપ લાકડાના ફર્નિચરને અંદરથી પોલું કરી નાખે છે, અને આપણને ત્યારે જ ખબર પડે જ્યારે ઘણું મોડું થઈ ગયું હોય. જો તમને ફર્નિચરની આસપાસ લાકડાનો ભૂકો કે પાવડર જેવું કંઈ દેખાય તો સમજી જવું કે ઉધઈનો હુમલો થયો છે.
ચિંતા કરશો નહીં, કારણ કે આવા સમયે તમે કેટલાક સરળ અને અસરકારક ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો.
1. લીમડાનું તેલ
લીમડો એક કુદરતી જંતુનાશક છે. જ્યાં પણ ઉધઈ જોવા મળે, ત્યાં સીધું નીમ ઓઈલ લગાવી દો. તમે પાણી સાથે મિક્સ કરીને સ્પ્રે પણ કરી શકો છો. અઠવાડિયામાં એકવાર આ ઉપાય કરવાથી ધીમે ધીમે ઉધઈનો નાશ થશે.
2. મીઠું અને લીંબુનો રસ
આ બંને વસ્તુઓનું મિશ્રણ ઉધઈ માટે એક અસરકારક સોલ્યુશન છે. સરખા પ્રમાણમાં મીઠું અને લીંબુનો રસ ભેળવીને ઉધઈવાળી જગ્યા પર લગાવો. આ એક કુદરતી ઇન્સેક્ટિસાઇડ તરીકે કામ કરશે.
3. લવિંગ અને એલોવેરા જેલ
ઉધઈને મૂળમાંથી ખતમ કરવા માટે આ ઉપાય ઉત્તમ છે. લવિંગનો પાવડર બનાવીને તેમાં એલોવેરા જેલ મિક્સ કરો અને જ્યાં ઉધઈ લાગી હોય ત્યાં લગાવો. આનાથી ઉધઈનો ફેલાવો અટકશે.
4. લીંબુનો રસ અને વિનેગર
જો ઉધઈથી ખૂબ જ પરેશાન હો, તો લીંબુનો રસ અને વિનેગરનું મિશ્રણ અજમાવો. આ મિશ્રણ ઉધઈ માટે ઝેર જેવું કામ કરે છે અને તેમને ઝડપથી મારી નાખે છે.
5. પેટ્રોલિયમ જેલી
સાંભળવામાં કદાચ વિચિત્ર લાગે, પણ પેટ્રોલિયમ જેલી ઉધઈ ભગાવવામાં પણ ઉપયોગી છે. જ્યાં ઉધઈ દેખાય ત્યાં તેનો એક જાડો પડ લગાવી દો. આનાથી ઉધઈને ઓક્સિજન મળતો અટકી જશે, જેના કારણે તે ગુંગળાઈને મરી જશે.
આ ઉપાયો અજમાવીને તમે તમારા લાકડાના ફર્નિચરને ઉધઈથી થતા મોટા નુકસાનથી બચાવી શકો છો. જોકે, જો સમસ્યા બહુ મોટી હોય તો પ્રોફેશનલ પેસ્ટ કંટ્રોલની મદદ લેવી પણ જરૂરી બની શકે છે.











