બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા ખતરામાં! જસોરમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા કરાઈ. છેલ્લા 18 દિવસમાં 5 હત્યાઓથી હાહાકાર. જાણો હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારની સંપૂર્ણ વિગત.

નવી દિલ્હી, મંગળવાર
બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર હુમલા અને અત્યાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. દેશમાં ફેલાયેલી અશાંતિ અને હિંસા વચ્ચે વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યાએ સમગ્ર સમુદાયમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે. આ વખતે જસોર જિલ્લામાં રાણા પ્રતાપ બૈરાગી નામના હિન્દુ યુવકની ભરબજારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ચિંતાની વાત એ છે કે છેલ્લા માત્ર 18 દિવસમાં આ પાંચમા હિન્દુની હત્યા છે.
ભરબજારે ગોળી મારી હત્યા
આ હચમચાવી દેનારી ઘટના જસોર જિલ્લાના મોનિરામપુરમાં બની હતી. અહીં રાણા પ્રતાપ બૈરાગી નામના વ્યક્તિને જાહેરમાં ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આ ઘટનાએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે અને દેશમાં વધી રહેલી સાંપ્રદાયિક હિંસાને ઉજાગર કરી છે.
18 દિવસમાં 5 હિન્દુઓની ક્રૂર હત્યા
છેલ્લા કેટલાક દિવસોમાં હિન્દુઓ પરના હુમલાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. આ ઘટનાઓનો સિલસિલો ભયાવહ છે. શરિયતપુર જિલ્લામાં 50 વર્ષીય હિન્દુ દુકાનદાર ખોખન દાસ પર 31 ડિસેમ્બરે હુમલો થયો હતો. તેમના પર પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. બે દિવસની સારવાર બાદ 2 જાન્યુઆરીએ તેમનું દુઃખદ અવસાન થયું. 24 ડિસેમ્બરે, 29 વર્ષીય અમૃત મંડલને એક ટોળાએ માર મારીને હત્યા કરી નાખી હતી. 18 ડિસેમ્બરે બનેલી એક અત્યંત ક્રૂર ઘટનામાં, 25 વર્ષીય દીપુ ચંદ્ર દાસ પર ઈશનિંદાનો ખોટો આરોપ લગાવીને ફેક્ટરીમાં જ ટોળાએ તેની હત્યા કરી. એટલું જ નહીં, તેના મૃતદેહને ઝાડ પર લટકાવીને આગ ચાંપી દીધી હતી.
હિન્દુ વિધવા પર ગેંગરેપ અને બર્બરતા
હત્યા ઉપરાંત, બાંગ્લાદેશમાં હિન્દુ મહિલાઓ પર યૌન શોષણની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ઝેનૈદાહના કાલીગંજમાં એક 40 વર્ષીય હિન્દુ વિધવા મહિલા સાથે બે પુરુષોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. મહિલાએ પોલીસને આપેલી માહિતી મુજબ, તેણે અઢી વર્ષ પહેલાં શાહીન નામના વ્યક્તિ પાસેથી 2 મિલિયન રૂપિયામાં મકાન ખરીદ્યું હતું. ત્યારથી શાહીન તેની પાસે અભદ્ર માંગણીઓ કરતો હતો અને પરેશાન કરતો હતો. એક સાંજે, જ્યારે મહિલાના ઘરે સંબંધીઓ આવ્યા હતા, ત્યારે શાહીન અને તેના સાથી હસને ઘરમાં ઘૂસીને મહિલા પર બળાત્કાર કર્યો. જ્યારે મહિલાએ વિરોધ કર્યો અને પૈસા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપીઓએ તેના સંબંધીઓને માર મારીને ભગાડી દીધા. ત્યારબાદ, તેમણે મહિલાને ઝાડ સાથે બાંધી, તેના વાળ કાપી નાખ્યા અને આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આ ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને તેમની સુરક્ષા એક મોટો પડકાર બની ગઈ છે.











