અમદાવાદમાં મોટો પર્દાફાશ: મિલકત માટે જીવતાને મારી નાખતું કૌભાંડ, વકીલ 50 હજારમાં કાઢી આપતો મોતનું સર્ટિફિકેટ

અમદાવાદમાં મિલકત હડપવા માટે જન્મ-મરણના ખોટા સર્ટિફિકેટ બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ. પોલીસે વકીલ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી. જાણો કેવી રીતે માત્ર 50 હજાર રૂપિયામાં બનાવવામાં આવતા હતા નકલી દસ્તાવેજો અને કોર્ટના હુકમો.

અમદાવાદ, સોમવાર
અમદાવાદ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં મિલકત હડપવા માટે જીવતા લોકોને કાગળ પર મૃત બતાવવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું હતું. ગાયકવાડ હવેલી પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કરીને 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમણે નકલી જન્મ-મરણના પ્રમાણપત્રો અને કોર્ટના ખોટા આદેશો બનાવીને સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

કેવી રીતે આચરવામાં આવતું હતું કૌભાંડ?
આરોપીઓનું નેટવર્ક એટલું મજબૂત હતું કે તેઓ નામદાર કોર્ટના બનાવટી હુકમો તૈયાર કરતા અને તેના પર નકલી સહી-સિક્કા કરીને તેને અસલી બતાવતા હતા. આ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેઓ સરકારી કચેરીઓ જેવી કે જન્મ-મરણ-લગ્ન વિભાગ અને આરોગ્ય ભવનમાં રજૂ કરી, ખોટા પ્રમાણપત્રો મેળવી લેતા હતા. આ સમગ્ર કૌભાંડ પાછળનો મુખ્ય હેતુ કોઈની કરોડોની મિલકત પચાવી પાડવાનો હતો. પોલીસને જ્યારે આ મામલે શંકા ગઈ, ત્યારે તેમણે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન કુલ 238 જેટલા કોર્ટના હુકમોની ચકાસણી કરવામાં આવી, જેમાંથી 9 હુકમો સંપૂર્ણપણે બનાવટી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસની કાર્યવાહી અને આરોપીઓની ધરપકડ
આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાયકવાડ હવેલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમના નામ નીચે મુજબ છે:

અરજણભાઇ કરશનભાઈ ભરવાડ
શબ્બીરભાઇ હસુભાઇ શેખ
અલ્લાઉદ્દીન અબ્દુલભાઇ શેખ
નિઝામખાન નાસીરખાન પઠાણ
વકીલ જ હતો માસ્ટરમાઈન્ડ, એક સર્ટિફિકેટના 50,000 રૂપિયા

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે ખુલાસો થયો તે વધુ આઘાતજનક હતો. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઈરફાન કાઝી નામનો એક વકીલ હોવાનું સામે આવ્યું છે. તે એક ખોટું મરણ પ્રમાણપત્ર બનાવવા માટે 50,000 રૂપિયા જેટલી તગડી રકમ વસૂલતો હતો. ઉલ્લેખનીય છે કે, વકીલ ઈરફાન કાઝીની અગાઉ 20 સપ્ટેમ્બરના રોજ પણ ખોટા પ્રમાણપત્રના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!